કોઇ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી : યુવા નવ નિર્માણ સેના બિનરાજકીય સંગઠન હોવાનો યુવરાજસિંહનો દાવો
અમદાવાદ
બેરોજગાર યુવાઓ માટે આંદોલન કરી રહેલા નેતા યુવરાજસિંહ જાડેજાએ યુવા નવ નિર્માણ સેનાની રચના કરી છે. હવે યુવરાજસિંહ જાડેજા હવે શિક્ષિત યુવાનોના હક અને અધિકાર માટે લડશે.પત્રકાર પરિષદ સંબોધતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યુ કે, ગુજરાતના લાખો યુવાનો અને તેમના પરીવારનો, તમામ સમાજના આગેવાનો, મારા શુભ ચિંતકોએ વિવિધ માધ્યમથી સાચી રજૂઆત કરવા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. તમામ રાજકીય પાર્ટીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર જેઓએ મને સાથ સહકાર આપ્યો. રાષ્ટ્ર હિતમાં, યુવા હિતમાં, બેરોજગાર શિક્ષિત યુવાનોના અધિકાર અને હક્ક માટે કામ કરતો હતો, કરું છું અને કરતો જ રહીશ. મારા અગિયાર દિવસના જેલવાસ અને ગુજરાતના વિધાર્થીઓના અત્યાર સુધીનાં સંઘર્ષ અને પરિણામોના આધાર પર, ગુજરાતના બેરોજગાર યુવાનોનાં મંતવ્યોથી ગુજરાતના યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે લડવા યુવાનોના નવા સંગઠન ‘યુવા નવનિર્માણ સેના’ બનાવવાનું હું આહવાન કરું છું. તેણે યુવા નવ નિર્માણ સેનાને બિનરાજકીય સંગઠન હોવાનો દાવો કર્યો. તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના યુવાનોને એક મંચ પર લાવી રાષ્ટ્રહિતમાં કામ કરવાનો સંગઠન થકી દાવો કર્યો છે.
જોકે, નવુ સંગઠન રચીને શું આપ સાથે છેડો ફાડશો તે વિશે તેમણે સ્પષ્ટ કર્યુ કે, કોઇ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી.