વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘણી વાર અલગ અલગ રૂપમાં જોવા મળે છે. તેઓ સામાન્ય વ્યક્તિની જેમ ક્યારે કોઈને લગ્ન પ્રસંગમાં મોહનથાળ કે, લાડવા બનાવતા દેખાય છે તો ક્યારે મંદિરમાં ભજન કરતા દેખાય છે, પૂર પીડીતો માટે ભજીયા તળતા અને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની ભૂખ સંતોષવા માટે તેને ખીચડી અને બટાકાનું શાક પણ પીરસત નજરે ચઢે છે. આ ઉપરાંત જયારે ગાંધીનગરના તેમના નિવાસ સ્થાને સાપ આવ્યો ત્યારે તેઓ સાપને રેસ્ક્યુ કરતા પણ નજરે ચઢ્યા હતા. હવે તેમનો રસ્તા પર ટ્રાફિક પોલીસની જેમ ટ્રાફિક નિયમન કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક રિપોર્ટ અનુસાર વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાની કારમાં જે સમયે અમદાવાદના સિંધુ ભવન ચાર રસ્તા પાસેથી પસાર થાત હતા તે સમયે તેમને રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિકનું નિયમન કરવા માટે ચાર રસ્તા પર કોઈ પણ પોલીસકર્મી તેમને દેખાયા નહોતા, એટલા માટે તેઓ પોતાની કારમાંથી ઉતર્યા અને રસ્તાની વચ્ચે જઈને ટ્રાફિક પોલીસની જેમ રસ્તા પરથી ટ્રાફિકની સમસ્યાને દૂર કરતા દેખાયા હતા. તેઓ ટ્રાફિક પોલીસની જેમ જ એક સાઈડ બંધ કરાવીને બીજી સાઈડ ખોલાવી રહ્યા હતા અને આમ થોડી વાર તેમને ટ્રાફિક નિયમન કર્યું હતું અને જ્યારે ટ્રાફિક સામાન્ય થઇ ગયું ત્યારે તેઓ પોતાની કારમાં બેસીને જતા રહ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ટ્રાફિક નિયમન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેમની પ્રસંશા પણ કરી રહ્યા છે.