વિવાદનો પર્યાય બનેલી બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માગ સાથે હજુ પણ વિરોધ યથાવત છે. ત્યારે આજે NSUI દ્વારા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટમાં પણ કેટલીક કોલેજો સ્વયંભૂ બંધ રહી છે. અને પરીક્ષા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો રાજકોટના નિર્મલા રોડ પર આવેલી કાંતિલાલ શેઠ ફિજીયોથેરાપી કોલેજ બંધ કરાવવા NSUIના કાર્યકરો પહોંચ્યા હતા.
NSUIનું કહેવું છે કે, કોઈપણ રીતે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવે. NSUI અને યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી પરીક્ષા રદ નહીં થાય. ત્યાં સુધી આંદોલન અને કાર્યક્રમો થતાં રહેશે. જેને પગલે અમદાવાદની GLS, સીટી સીયુ શાહ, એસવી, નેશનલ અને વિવેકાનંદ કોલેજે બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. તો પાટણમાં NSUI અને શહેર કોંગ્રેસના કાર્યકરો શાળા-કોલેજો બંધ કરાવવા નિકળ્યા હતા. જેથી પોલીસે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગરમાં પણ NSUI અને યુથ કોંગ્રેસે શહેરની વિવિધ કોલેજ બંધ કરાવી હતી.