ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કલોલની સરકારી શાળામાં અભ્યાસ કરતા 38 જેટલા દિવ્યાંગ બાળકોને હવાઈ મુસાફરી કરાવી. દિલ્લી ખાતે 38 દિવ્યાંગ બાળકોને લોકસભાના મંદિર એવા સંસદ ભવની મુલાકાત કરાવી. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને ‘વિશ્વ દિવ્યાંગ દિન’ નિમત્તે તેમજ ‘સર્વ શિક્ષા અભિયાન’ અંતર્ગત ગાંધીનગર લોકસભામાં આવતા કલોલની સરકારી શાળામાં અભ્યાસ કરતા 38 જેટલા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષકો અને દિવ્યાંગ બાળકોનાં માતાપિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના આઈ.ઇ.ડી. વિભાગના કલોલની સરકારી શાળાનાં દિવ્યાંગ બાળકોને સૌપ્રથમ વાર વિમાન મારફતે હવાઇમાર્ગે દિલ્લી લઈ જવામાં આવ્યા હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાને કરેલી મુલાકાત દરમ્યાન દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતા સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો તેમજ ત્યારબાદ સંસદ ભવનની મુલાકાત અને દિલ્લી દર્શન માટેની વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી. દિવ્યાંગ બાળકોએ રક્ષાબંધન સમયે બનાવેલ રાખડીઓ તેમજ દિવાળી નિમત્તે બનાવેલ વિવિધ કલાકૃતિઓના વેચાણ મારફતે એકત્ર કરાયેલ રકમમાંથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં ગુજરાત ટુરિઝમ વિભાગે પણ સહયોગ કર્યો હતો.