આ વાત છે એક ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના એક એવા વૃદ્ધની જેઓ આજના મોંઘવારીના યુગમાં લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે તેવા હેતુ સાથે માત્ર પાંચ રૂપિયામાં આર્યુવેદિક જ્યૂસ વેચે છે. અમદાવાદના જાેગેશ્વરી વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી આર્યુવેદિક જ્યૂસ વેચતા આ વૃદ્ધનો બસ એક જ હેતું છે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે.
૧૫ વર્ષથી એક જ નિત્યક્રમ. સવારના પાંચ વાગ્યાથી ૮ વાગ્યા સુધી હરિઓમ શબ્દના ઉચ્ચારણ સાથે આર્યુવેદિક જ્યૂસ વેચવાનું. અમદાવાદના જાેગેશ્વરી વિસ્તાર નજીક ગાયત્રી મંદિર પાસે માત્ર પાંચ રૂપિયામાં જ્યૂસ વેચતા બાબુ કાકાનો બસ એક જ ધ્યેય છે, લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે. જુદાજુદા આર્યુવેદિક જ્યૂસ તૈયાર કરવા માટે સવારે ૨.૩૦ વાગ્યાથી બાબુકાકાની મહેનત શરૂ થાય અને સવારે પાંચ વાગ્યે તમામ જ્યૂસ તૈયાર કરીને તેઓ ગાયત્રી મંદિર પાસે જ્યૂસ વેચવા આવી જાય.
આજના મોંઘવારીના યુગમાં માત્ર પાંચ રૂપિયામાં શું આવે ત્યારે આ વાત પર બાબુકાકા કહે છે કે તેમને ગાડી બંગલા નથી જાેઇતા, તેમનું બસ ઘર ચાલે તેટલા રૂપિયા રડી લે તો બહું છે. એક દીકરાનું અવસાન થયું છે જ્યારે બીજાે દીકરો માનસીક રીતે અસ્વસ્થ છે જેનું ભરણપોષણ થાય તેટલી આવક બાબુ કાકા કરી લે છે તો બાબુકાકાને ત્યાં આવતા ગ્રાહકો પણ નિયમિત જ્યૂસ પીવે છે અને તેમના ભરપૂર વખાણ કરે છે. છેલ્લા ૧૫ વર્ષોથી બાબુ કાકા એક જ જગ્યાએ જ્યૂસ વેચવાનું કામ કરે છે, ક્યારેય કોઇ ગ્રાહક પૈસા આપવાનું ભૂલી જાય તો કાકા કહે છે પૈસા આપે તો રામ રામ અને ન આપે તો પણ રામરામ. ત્યારે આજના મોંઘવારીના યુગમાં સવારથી જ સ્વાસ્થ્યવર્ધક જ્યૂશ નજીવી કિંમતે વેચતા બાબુકાકાની દરિયાદીલીને સલામ છે.