ધારાસભ્ય જિગ્નેશ મેવાણી , કૉંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનિષ દોશી , મીડિયા પેનાલિસ્ટ હિરેન બેંકર પત્રકાર પરિષદમાં હાજર રહ્યા
અમદાવાદ
છેલ્લા બે મહિના જેટલા સમયથી બનાસકાંઠા જિલ્લામાં કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા મુદ્દે જળ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગઇકાલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યુ હતું કે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં પાણીની તકલીફ છે જેમાં મારો મત વિસ્તાર વડગામ પણ આવી જાય છે. આ મુદ્દે હું 21 તારીખે મુખ્યમંત્રીને રજૂઆત કરીશ અને જો યોગ્ય જવાબ નહીં મળે તો સરકારને અલ્ટિમેટમ આપીશ અને આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું. આ વિડિયોના જવાબમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે પાંચ વર્ષ જિગ્નેશ મેવાણી ક્યાં હતા. તેનો જવાબ આજે જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ભાજપ તો આટલા સમયથી ગુજરાતમાં સત્તા ભોગવે છે તો પછી કેમ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીથી વંચિત છે અને તેમણે પાણી માટે જળ આંદોલન કરવું પડે છે અને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવો પડે છે આ મુદ્દે પણ સી.આર.પાટિલે જવાબ આપવો જોઈએ.
સી.આર.પાટિલ ઉપર કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે, “મે જ્યારે ગઈકાલે વીડિયો મારફતે મુખ્યમંત્રીને અલ્ટિમેટમ આપવા જવાનો છું તેવી વાત કરી ત્યારે તેનો જવાબ મુખ્યમંત્રીએ નહીં, પાણી પુરવઠા વિભાગના મંત્રીએ નહીં, સિંચાઇ મંત્રીએ નહીં પણ ભાજપના હોદ્દેદાર સી.આર.પાટિલે આપ્યો હતો. જ્યારે કોઈ ચાલુ ધારાસભ્ય કોઈ વિભાગને સંબંધિત કોઈ પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તેનો જવાબ જે તે વિભાગના મંત્રીએ આપવાનો હોય છે. સી.આર.પાટિલને આમાં વચ્ચે બોલવાનું કોઈ કારણ બનતું નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે જિગ્નેશભાઈ 5 વર્ષ સુધી ક્યાં હતા. તેનો હું જવાબ આપું છું કે જિગ્નેશભાઈએ છેલ્લા 5 વર્ષથી સતત કરમાવતના મુદ્દે રજૂઆત કરી છે અને વડગામનો એક એક મતદાર તેનો સાક્ષી છે. તમે પેહલા વિધાનસભાના રેકોર્ડ ચેક કરો અને પછી નિવેદનો આપો.”હકીકતમાં લોકોના પ્રશ્નોને લઈને રાજનીતિ થવી ન જોઈએ, લોકોની તકલીફ કેવી રીતે દૂર કરવી તે અંગે સત્તાપક્ષ અને વિપક્ષ સાથે બેસીને જો ચર્ચા કરે તો લોકોના પ્રશ્નનું નિરાકરણ ઝડપથી આવી શકે છે.