મોદીના પરિવારે સવારે 09ઃ30 વાગ્યે જગન્નાથ મંદિર પહોંચી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો આજે 100મો જન્મદિવસ છે.ગાંધીનગર ખાતે સવારે 06:30 વાગ્યે માતાના આશીર્વાદ લઈને તેમની પૂજા-અર્ચના પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ માતાના જન્મદિવસ પર તેમના પગ ધોઈને તેમને શાલ ઓઢાડી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. હીરાબા ને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ ની શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ પૂજ્ય હીરાબા ના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા .
વડાપ્રધાન મોદીએ માતાને લાડુ ખવડાવીને તેમને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો અને તેમના સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે ઘરમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત વડાપ્રધાન મોદીના પરિવારને ભગવાન જગન્નાથમાં ખૂબ જ આસ્થા છે. આ કારણે માતા હીરાબા અને તેમનો પરિવાર સવારે 09ઃ30 વાગ્યે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકાર્યા હતા.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે આવી પહોંચતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
રાજ ભવન ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ વડોદરામાં યોજાયેલાં વિવિધ કાર્યક્રમો માટે આજે રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કર્યુ હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનને ભાવપૂર્ણ વિદાય આપી હતી.
માતાજીના જૂના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ હતી તેને સમજાવટપૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે તથા તેના પર ધ્વજદંડક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે 500 વર્ષ બાદ પાવાગઢમાં માતા કાલિકાના શિખર પર ધ્વજારોહણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતા કાલિકામાં ખૂબ જ શ્રદ્ધા છે. મોદી પાવાગઢ પણ જવાના છે. તેઓ બપોરે 11:00 કલાકે ત્યાં પહોંચશે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે તેઓ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરીને કાલિકા માતાના શિખર પર ધ્વજારોહણ કરશે.