અમદાવાદ
વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે ગુજરાત કોંગ્રેસે આજે સોમવારે બપોરે પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયે આગેવાનો સાથે બેઠકનું આયોજન કર્યું હતું.ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર મંથન કરવામાં આવ્યું હતું.ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે જનતા મેનિફેસ્ટો અંગે 1 હજાર બેઠક યોજવામાં આવશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોંગ્રેસના આગેવાનો-નેતાઓ કાર્યકરોને મળવા વિધાનસભા પ્રવાસ કરશે.વિધાનસભા બેઠક દીઠ 3 વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે. એક બેઠક પર 3 નિરીક્ષકની નિમણૂક કરાશે, જેમાંથી એક ગુજરાત બહારથી હશે, એક ગુજરાતના અને એક જે-તે બેઠકના આગેવાન સામેલ હશે.બૂથ મેનેજમેન્ટ પર ફોકસ કરી આગળ વધીશું.મારું બૂથ, મારું ગૌરવ અભિયાન” સાથે જવાબદારીની વહેંચણી કરવામાં આવશે, તેમ ઉત્તર ગુજરાતના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું.આગામી સમયમાં તમામ વર્ગના લોકોને મળીને તેમની માગણી અંગેનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે, કોંગ્રેસે 182 વિધાનસભા બેઠકોની ચાર ઝોનમાં વહેંચણી કરી છે, જે મુજબ બેઠકો યોજાઈ રહી છે. હવે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક 24મીએ સોમનાથ ખાતે યોજવામાં આવશે. આ બેઠકમાં આગેવાનોએ પોતાના મત વ્યક્ત કર્યા હતા.