અમદાવાદ
દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમારે ચિંતા વ્યક્ત કરી છે. આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં અરજદારોની ભીડ હતી. જેની નોંધ લેતા પુછપરછ કરાઈ હતી. ત્યાર બાદ ચીફ જસ્ટીસે કોર્ટમાં બિનજરૂરી ભીડ ભેગી નહીં કરવા ટકોર કરી હતી. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નથી.
લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે હાઈકોર્ટમાં આજે આદર્શ કો. ઓપરેટીવ સોસાયટીના કેસ સંદર્ભે મોટી સંખ્યામાં અરજદારો ભેગા થયાં હતાં. કોર્ટમાં લોકોની ભીડ જોઈને ચીફ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી કે ‘આટલા બધા લોકોની હાજરી શા માટે છે? ત્યાર બાદ ટકોર કરી કે, કોર્ટ રૂમમાં બિનજરૂરી જમાવડો ટાળવો જોઇએ. સરકાર પણ કોવિડ પ્રોટોકોલની અમલવારી કરાવી રહી છે ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ચીફ જસ્ટીસે ટકોર કરતાં કહ્યું હતું કે, કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નથી. કોર્ટ પરિસરમાં કોરોના ફેલાય તે વકીલો માટે જોખમ સર્જી શકે છે’. અગાઉ જાન્યુઆરી માસમાં પણ જ્યારે કોવિડના કિસ્સા વધી રહ્યા હતા, ત્યારે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા કોર્ટ રૂમમાં અરજદારો અને અધિકારીઓની હાજરીની નોંધ લીધી હતી અને કારણ વિના તેમને હાજર ન રાખવા માટે ટકોર કરી હતી. ત્યારે ફરી એકવાર હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેમાં કોર્ટ પરિસરમાં બિનજરૂરી જમાવડો ન કરવા માટે સૂચન કર્યું છે.