ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા
કેન્દ્રની ભાજપ સરકાર ધારાસભ્યોની ખરીદીની જગ્યાએ લોકોને રાહત આપવા ઉપર ધ્યાન આપે ! : મોઢવાડિયા
અમદાવાદ
ખાનગી પેટ્રોલીય કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતો-રાત જંગી વધારો ઝિંકી દીધો છે. તે અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની કૃત્રિમ તંગીના નાટકના નામે કેન્દ્રની ભાજપ સરકારે ખાનગી પેટ્રોલીય કંપનીઓને પેટ્રોલ-ડીઝલના મનફાવે તેવા ભાવ વસુલવાનો પરવાનો આપી દીધો છે. એકબાજુ સરકારી પેટ્રોલીય કંપનીઓના પેટ્રોલપંપ ઉપર પુરતો જથ્થો રાખવામાં આવતો નથી. બીજી બાજુ ખાનગી કંપનીઓ શેલ, નાયરા અને રિલાયન્સ કપંનીઓના પેટ્રોલ પંપ પર ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યાં છે. નાયરાના પંપમાં ડીઝલમાં 6 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. નાયરા કંપની 98 રૂપિયા ભાવે ડીઝલ વેચી રહી છે. તો 101 રૂપિયા ભાવે પેટ્રોલ વેચી રહી છે. શેલ કંપની પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ સીધા 31 રૂપિયાના ભાવ વધારા સાથે 125 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહી છે.
આજના શેલ પેટ્રોલ પંપના ભાવ
અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની ઉભી થયેલ કૃત્રિમ તંગીના કારણે અનેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાઈનો લાગતી હતી. ત્યારે આ તંગી દુર કરવાના નામે કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલીયમ કંપનીઓ માટે એક યુએસઓ ઓર્ડર કર્યો છે, જેમાં પેટ્રોલીયમ કંપનીઓને પેટ્રોપ પંપ પર પુરતો જથ્થો રાખવો ફરજિયાત હોવાનું જણાવ્યું હતું, જો કે તે સાથે ફરજીયાત જથ્થો ઉપલબ્ધ કરાવવા બદલ મન ફાવે તેવા ભાવ લેવાની છૂટ આપી દીધી છે. જેને ફાયદો ઉઠાવી ખાનગી કંપનીઓએ ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું છે. ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર આવી રીતે લૂંટના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે અને ચીજ વસ્તુઓના ભાવમાં પણ ભડકો થશે. પરંતુ તેની સરકારને કંઈ પડી નથી. ભાજપ સરકારને તો માત્ર ધારસભ્યોને ખરીદીને જનતાએ ચુંટેલી સરકારો પાડવામાં રસ છે. ભાજપ સરકારને મારી વિનંતી છે કે ધારાસભ્યોની ખરીદીની જગ્યાએ લોકોને રાહત આપવા ઉપર ધ્યાન આપે !