અમદાવાદ
પહેલી જ વખત ભગવાનને અસલી હીરાનું તિલક કરાયુ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથજીના નિજ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થયા : સોનાની સાવરણીથી કચરો વાળીને CM ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી
અમદાવાદ
આજે ૧૪૫મી રથયાત્રા બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે ત્યારે વરસાદનાં અમીછાંટણાં વચ્ચે અમદાવાદની રથયાત્રામાં ભક્તો હિલોળે ચઢ્યા.આ રથયાત્રામાં પહેલી જ વખત ભગવાનને હીરાનું તિલક કરાયુ. સવારે 5. 30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.આ વર્ષે નીકળનારી રથયાત્રા માટે દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરીની જેમ ભગવાનને અસલ ડાયમંડનું તિલક કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજના પાવન પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કર્ણાવતી મહાનગર ખાતે ભગવાન જગન્નાથજીના નિજ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થયા અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં.આજરોજ અમદાવાદ શહેર જમાલપુર વિસ્તાર મા આવેલ જગન્નાથ મંદિર મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર કરી પહિંદવિધિ, રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની ૧૪૫મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે આ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલિસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝિણવટપૂર્વક નિહાળી હતિ. હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી.
અમદાવાદ શહેર પોલિસ અને મહાનગરપાલિકા બેય દ્વારા ૧૦૦થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળપળની નિગરાની કરવામાં આવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી આ વેળાએ જાણી હતી.મુખ્યમંત્રીએ અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી નિહાળ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલિસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા પણ આ નિરિક્ષણમાં જોડાયા હતા. રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા તેમજ હજારો સાધુ-સંતો જોડાશે.મંદિર મેનેજમેન્ટે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ભક્તોને માસ્ક પહેરીને દર્શન કરવા આવવાની અપીલ કરી છે. મંગળા દર્શનનો લોકો સારી રીતે લાભ લઈ શકે તે માટે મંદિર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી . મંદિરની સાઈટ પર રથયાત્રાનું સમયપત્રક પણ મૂકવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે રૂટ પર આગળ વધી રહી છે. સરસપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, ઢાળની પોળ અને કોર્પોરેશન વિસ્તારમાં હળવા વરસાદની શરૂઆત થઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે 10 મિનિટ રોકાયા હતા અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરે ભગવાનને હાર પહેરાવી દર્શન કર્યા.
જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનુ અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, દંડક સહિતના નેતાઓ દ્વારા મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામા આવ્યું. વિવિધ કમિટિના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટરોએ પણ સ્વાગત કર્યું હતું. વર્ષે દિલીપદાસજી મહારાજ રથની આગળ રહેતા હોય છે, પરંતુ આ વખતે તેઓ ઢાળની પોળ પાસે અખાડા ક્રોસ કરી આગળ તરફ નીકળ્યા હતા. મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. એક બાદ એક રોડ રસ્તા પર બંધ કરવામાં આવી રહ્યા છે. પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.રથયાત્રામાં હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરાયું . જમીન અને આકાશમાં ચુસ્ત બંદોબસ્ત દ્વારા પોલીસની ચાંપતી નજર રખાઈ.રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી છે. ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે. ભજન મંડળીઓ પણ ધીરે ધીરે આગળ વધી રહી છે. રથયાત્રાના રૂટ પર રામ મંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.લગભગ દોઢ વાગ્યે રથયાત્રા સરસપુર પહોંચી હતી અને અખાડાના વ્યક્તિઓ , સહીત ભાવિક ભક્તોએ શેરીઓમાં જઈને પ્રસાદરૂપે ભોજન લીધું હતું.વાજતે-ગાજતે રથયાત્રા સરસપુર મોસાળ પહોંચતા ભક્તોએ વધામણાં કર્યા.નાથ ને મોસાળમાં ભક્તોએ મીઠો આવકાર આપ્યો હતો.સરસપુરમાં ભક્તોએ પણ ઉત્સાહભેર ભગવાન જગન્નાથજીના વધામણાં કર્યા.
ભગવાનનું મામેરૂ લઈ જવામાં આવ્યું.છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.