કલોલ ખાતે અમિત શાહના હસ્તે તેમજ પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ-PSM હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ યોજાયો

Spread the love

ભારતમાં આધુનિક આરોગ્યલક્ષી અપગ્રેડેશન માટે રૂ.૬૪,૦૦૦ કરોડની જોગવાઈ

કલોલ

અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના ઉપક્રમે નવનિર્મિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ નિર્માણાધિન ૭૫૦ બેડની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી-સ્પેશ્યાલીટી(PSM) હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કલોલ ખાતે યોજાયો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતમાં ધર્મની સાથે-સાથે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને વ્યસન મુક્તિ જેવા અનેક ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓનું વ્યક્તિ, સમાજ અને દેશના ઘડતરમાં અનેરું યોગદાન રહેલું છે. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે થયેલું સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ અને ૭૫૦ બેડની મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ભૂમિપૂજન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે છપૈયામાં જન્મ લઈને નીલકંઠનું બાળ સ્વરૂપ ધારણ કરીને ભારતભ્રમણ દરમિયાન ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને અધ્યાત્મિક ક્ષેત્રે સેવાની સરવાણી પ્રસરાવી હતી જે સ્વામિનારાયણ સંપ્રદાય આજે વટવૃક્ષ બનીને વિવિધ સ્વરૂપે સમાજ ઘડતરનું ઉમદા કામ કરી રહ્યો છે.

સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીના આશીર્વચનથી વર્ષ ૧૯૯૨માં કલોલ ખાતે ગુરુકુળની સ્થાપના થઇ હતી. ૨૫ એકર વિસ્તારમાં વિસ્તરેલી આ સંસ્થામાં આજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે-સાથે ધર્મ અને સંસ્કારનું સિંચન થઇ રહ્યું છે. જેમાં હવે આગામી સમયમાં ૭૫૦ બેડની આ મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલ કાર્યરત થવાથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધીના સામાન્ય નાગરિકોને ઉત્તમ સારવાર ઉપલબ્ધ થશે.દેશમાં વર્ષ ૨૦૧૩-૧૪ પહેલા મેડીકલ કોલેજોની સંખ્યા માત્ર ૩૮૭ હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૮ વર્ષમાં આ મેડીકલ કોલેજોની સંખ્યા વધીને હાલમાં ૬૦૩ થઇ છે. દેશમાં અગાઉ MBBSની બેઠકો ૫૧,૩૪૮ હતી જેમાં મોદી સરકાર દ્વારા વધારો કરીને હાલમાં ૮૯,૮૭૫ કરાઈ છે, જ્યારે MD અને MSની બેઠકોને પણ ૩૧,૧૦૦થી વધારીને ૬૦,૦૦૦ કરાઈ છે. તેમણે ઉમેર્યું કે, ધનવાનોની જેમ આરોગ્યલક્ષી આધુનિક સારવાર ગરીબ-સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્યાન્વિત કરીને દેશના ૬૦ કરોડ નાગરિકોને રૂ.૫ લાખ સુધીની આરોગ્યલક્ષી સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં PHC, CHC સહિત સરકારી હોસ્પિટલોના આધુનિક આરોગ્યલક્ષી અપગ્રેડેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૬૪,૦૦૦ કરોડ માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આજે ટેલીમેડીસીનના માધ્યમથી દેશનો છેવાડાનો નાગરિક ઘરે બેઠા એઈમ્સ જેવી અનેક પ્રતિષ્ઠિત હોસ્પિટલોના ડોક્ટરોનું વિનામૂલ્યે માર્ગદર્શન મેળવીને ઉત્તમ સારવાર પ્રાપ્ત કરી રહ્યો છે. ભારતમાં પ્રથમવાર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રાધાન્ય આપવા નવીન આયુષ મંત્રાલય શરુ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આગામી વર્ષોમાં આયુષ, યોગ અને ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને સમગ્ર વિશ્વ સ્વીકારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને શ્રી શાહે આ નવીન હોસ્પિટલ જલ્દી કાર્યરત થાય તેવી પૂજ્ય સંતોને અપીલ કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્વામિનારાયણ યુનિવર્સિટીના લોકાર્પણ અને મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારને ભારતના મોડલ મતવિસ્તાર તરીકે વિકસાવવા સાંસદ અમિત શાહ સતત કાર્યરત છે તે આપના સૌ માટે ગર્વની વાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના યુવાનો શિક્ષણના માધ્યમ થકી વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે, ઘણા વર્ષોથી કલોલ અને આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સારવાર ઉપલબ્ધ થાય તે માટે મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવાનું એક સપનું હતું જે આજે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન દ્વારા સાકાર થવા જઈ રહ્યું છે. કલોલ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળમાં વિવિધ ૧૭ શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેને આજે એક યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે જે સૌ માટે ગૌરવની ક્ષણ છે.

અમિત શાહ સહિત સંતો અને મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની નવીન વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં ઉપસ્થિત વિવિધ પૂજ્ય સંતગણશ્રીઓ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી તેમજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ સહિતના મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડતાલ, હાથીજણ, ભુજ, કાલુપુર, ગઢડા સહિત રાજ્યભરમાંથી પૂજ્ય સંતો તેમજ સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી, સાબરમતીના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, દાતાશ્રીઓ, તબીબો સહિત વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ અને સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com