ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવેના અંદાજિત રૂપિયા 33 કરોડના કુલ પાંચ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રની ભાગીદારીથી દેશના રેલવે ક્રોસીંગને ફાટક રહીત બનાવવાની કામગીરી ચાલી રહી છે, તેના ભાગરૂપે આજે અમદાવાદ અને ગાંધીનગર મતવિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થઇ રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સાબરમતી વિધાનસભા ક્ષેત્ર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે રેલવેની સુવિધાઓને લઈને મહત્વપૂર્ણ અવસર છે. આ વિસ્તાર રેલવે લાઇનથી વીંટળાયેલો વિસ્તાર રહ્યો છે, આ વિસ્તારના નાગરિકો માટે હંમેશાથી રેલવે લાઈન અને ફાટકનો ટ્રાફિક પીડાદાયક રહ્યો છે. હું ધારાસભ્ય હતો ત્યારથી આ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની શરૂઆત ચાંદલોડિયા ઓવરબ્રીજનું લોકાર્પણ કરીને કરી હતી. આજે વધુ એક બ્રિજનું લોકાર્પણ તેમજ ત્રણ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ આપણે ફાટક મુક્તિની દિશામાં આગળ વધી રહ્યા છીએ અને રેલવેમાં લોકાભિમુખ સુવિધા આપવામાં આ સરકાર સફળ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે સૌપ્રથમ ગોતા વિસ્તારમાં વૃક્ષા રોપણ કરીને મિશન મિલિયન ટ્રી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓએ ચાંદલોડિયા સ્ટેશન ભાગ- બી ખાતે યાત્રિકોની સુવિધામાં વધારો કરતી વ્યવસ્થાઓને ખુલ્લી મૂકી હતી. ત્યારબાદ તેઓ આ વિસ્તારને સંપુર્ણ ફાટકમુક્ત બનાવવા તરફના મહત્વના પગલાં સમાન અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. પશ્વિમ રેલવે દ્વારા અંદાજિત રૂ. 2 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશન પર લેડિઝ વેટિંગ રૂમ, જેન્ટ્સ વેટિંગ રૂમ અને એસી વેટિંગ રૂમ સહિત ત્રણ નવા વેટિંગ રૂમનું લોકાર્પણ થયું છે. અંદાજિત રૂ. 4 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનના અમદાવાદ છેડે 6 મીટર પહોળાઇનો નવા ફ્રૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ તેમજ રૂપિયા રૂ. 18 કરોડના ખર્ચે સાબરમતી થી ખોડિયાર લાઇન પર 4 રેલવે અન્ડર બ્રિજનું ખાતમુહ્રૂત કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારના લોકોને અગાઉ રેલવે ટિકિટના બુકીંગ માટે સાબરમતી અથવા કાલુપુર જવું પડતું હતું. આ સમસ્યાના સમાધાન માટે રૂપિયા 25 લાખથી વધુના ખર્ચે નિર્મિત રેલવે ટીકીટ બુકિંગ ઓફિસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. હવે ચાંદલોડિયાથી કન્યાકુમારી અને કાશ્મીરની ટિકિટ બુક થઈ શકશે. રૂપિયા 2 કરોડના ખર્ચે ચાંદલોડિયા સ્ટેશન તેમજ રૂ.1.5 કરોડના ખર્ચે સાબરમતી સ્ટેશન પર સુવિધાપૂર્ણ પ્રતિક્ષાલાય બનાવવામાં આવ્યું છે જેના કારણે યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ આ સ્ટેશન પર મળતી થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શ્રી અમિતભાઇ શાહે કહ્યુ કે, સાબરમતી સ્ટેશન પર સંભવિત અકસ્માત ટાળવા ફૂટ ઓવરબ્રિજ તૈયાર થયો છે જેનું આજે લોકાર્પણ સંપન્ન થયું છે. આ સાથો-સાથ આ વિસ્તારમાં 18 કરોડના ખર્ચે 3 વિવિધ જગ્યાઓ પર અંડરબ્રિજ બનાવવાની શરૂઆત પણ આજથી થઇ ગઇ છે. આમ, છેલ્લા 3 વર્ષમાં એટલે કે 2019માં 3 રેલવેક્રોસિંગ દૂર કર્યા. વર્ષ 2020માં 4 અને 2021માં 3 રેલવેક્રોસિંગ પર ફાટક દૂર કરી બ્રિજ બનાવવાનું કામ શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં થયું છે. આ ઉપરાંત ચાંદલોડિયા સ્ટેશન પર આજથી જ 10 ટ્રેનોના સ્ટોપેજ પણ શરૂ કરાયા છે. જેમાં ગોરખપુર- ઓખા, સોમનાથ-જબલપુર, બ્રાન્દ્રા-મુંબઇ, અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ સહિતની 10 ટ્રેનો આ સ્ટેશન પર હવેથી ઊભી રહશે.
તેમણે છેલ્લાં 3 વર્ષમાં આ વિસ્તારમાં થયેલા રેલવેના વિકાસની રૂપરેખા આપતા કહ્યું કે, અગાઉની સરકારે આ વિસ્તારમાં રેલવેના વિકાસ માટે રૂપિયા 590 કરોડ જેવી મામૂલી રકમ ફાળવી હતી. જ્યારે શ્રી નરેન્દ્રભાઇએ વર્ષ 2014 થી અત્યાર સુધીમાં રૂ. 3960 કરોડ ખર્ચ કર્યા છે. હું દેશભરમાં ફર્યો છું પણ અમદાવાદ જેવો રિવરફ્રન્ટ ક્યાંય જોયો નથી. અમદાવાદનો બીઆરટીએસ પ્રોજેક્ટ દેશભરમાં સફળ રહ્યો છે તો મેટ્રોનું કામ પણ પૂર્ણતાના આરે છે. આજે શહેર અને ગામડાઓમાં નળથી પાણી પણ મળતું થઇ ગયું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
તેમણે વર્તમાનની શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની સક્રિયતા વિશે જણાવતા કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર સાથે મળીને ત્વરિત નિર્ણયો લઇ રહી છે, જેનાથી ગુજરાતનો વિકાસ બમણી ગતિએ થઇ રહ્યો છે. આ અવસરે અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી બનાવવા તમામ ધારાસભ્યોશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ સોસાયટીના ચેરમેનને પત્રો લખીને પરિવારના સભ્યો દીઠ એક વૃક્ષ વાવવાનું આહ્વન પણ કર્યું હતું. તેમણે ગાંધીનગર લોકસભાને દેશભરમાં સૌથી વધુ વિકસિત બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સામાન્ય ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, સાંસદ કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, સર્વે ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાજપના અગ્રણીઓ તેમજ રેલવેના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.