કલોલ તાલુકાના પાનસર ગામની સીમમાં આવેલ મેટ્રોજેન બાયોટેક નર્સરીનાં કમ્પાઉન્ડમાં ટ્રકના ચાલકે બેફિકરાઈથી પોતાની ટ્રક રિવર્સ લઈને એક વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. ત્યારે અત્રે રમી રહેલા અન્ય બાળકોએ આ દ્રશ્ય જોઈને ચીસાચીસ કરી મુકતા નર્સરીમાં મજૂરી કામ કરતાં દંપતીને ઘટનાની જાણ થઈ હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.મૂળ દાહોદના નરેશભાઈ બાબુભાઈ મંડોડ કલોલના પાનસર ગામની સીમમાં આવેલ મેટ્રો જેન બાયોટેક નર્સરીમાં રહીને મજૂરી કામ કરી રહ્યા છે. જેમના પરિવારમાં પત્ની મંજુ મોટી દીકરી માધવી, નાની દીકરી કિંજલ અને એક વર્ષનો પુત્ર રેહાન હતો. છેલ્લા ત્રણ મહિનાથી નર્સરીમાં કામ કરતાં નરેશભાઈ અને તેમના પત્ની મંજુબેન ગત તા. 3જી જુલાઈના રોજ કેળાનાં છોડને કેરેટમાં ગોઠવી રહ્યા હતા.એ વખતે તેમનો દીકરો રેહાન અન્ય બાળકો સાથે કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો. ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારીને ટ્રકને રિવર્સ લેતાં કમ્પાઉન્ડમાં રમી રહેલાં રેહાન પરથી ટાયર ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈને અન્ય બાળકોએ ગભરાઈને ચીસાચીસ કરતાં દોડીને દંપતી પાસે જઈ બનાવની જાણ કરી હતી.બનાવને પગલે દંપતી સહિતના લોકો પહોંચી ગયા હતા. ત્યારે રેહાનને ઊંચકીને જોયું તો પેઢાનાં ભાગે, ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં રેહાનને કલોલનાં સરકારી દવાખાને લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જો કે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તબીબોએ રેહાનને મૃત જાહેર કર્યો હતો. આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.