ખોટા માણસોને વળતર ચૂકવાયાના કેસની સુનાવણી કરી રહેલી ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટીસની બેંચે કચ્છ કલેકટર એમ નાગરાજનને ઠપકો આપ્યો હતો. આ કેસમાં કેયલીક વ્યક્તિઓએ અન્યને જમીન વેચી હોવા છતાં મહેસુલી અધિકારીઓની મિલીભગતથી સરકાર પાસેથી વળતર પણ મેળવ્યું હતું.
ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ એ.જે.શાસ્ત્રીની બેંચે કલેકટરને 11 નવેમ્બરે આદેશ જારી કરી ગઈકાલે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. કચ્છના લખપત તાલુકાના નાની છેદ ગામના ભુપેન્દ્ર શાહે 7 જુલાઈ 2006એ જમીન ખરીદી હતી. નિયમ મુજબ, જમીનના નવા માલિક તરીકે મહેસુલ રેકોર્ડમાં એન્ટ્રી પડાવવા તેણે નાયબ મામલતદારનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ તેમણે એન્ટ્રી કરવાનો ઈન્કાર કરતા જણાવ્યું હતું કે આ જમીન ગુજરાત મિનરલૂ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) એ સંપાદન કરવાની દરખાસ્ત કરી છે.
જીએમડીસીએ 2009માં જમીન સંપાદન પ્રક્રિયા શરુ કરી હતી અને વળતર માટે શાહનો જમીનના માલિક તરીકે સમાવેશ કરવામાં આવ્યો નહોતો. મહેસુલી અધિકારીઓએ વળતર માટે જૂના 4 માલિકોના નામ મોકલ્યા હતા અને આ પ્રક્રિયામાં તેમને વળતર પણ મળ્યું હતું.
શાહે એ પછી સરકાર અને જીએમડીસીને રજુઆત કરી હતી, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહોતું. તેણે આખુ વર્ષ 25 ઓકટોબરે હાઈકોર્યમાં અરજી કરી હતી. અદાલતે કચ્છ કલેકટરનો ખુલાસો માંગી કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.
નાગરાજને કોર્ટમાં ઉપસ્થિત રહી ઈન્કવાયરી રિપોર્ટ રજુ કર્યો હતો, પણ કોર્ટને એનાથી સંતોષ થયો નહોતો. કોર્ટે એફઆઈઆઈ દર્જ નહી કરાવવા બદલ કલેકટરની આકરી ઝાટકણી કાઢી જરૂર જણાયે દોષિતોને જેલમાં ધકેલવા અને પુર્વ માલિકો પાસેથી વળતરની રકમ રિકવર કરવા જણાવ્યું હતું.