હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના IAS અધિકારી ડેપ્યુટી કમિશનર R K પૃથી પ્લાસ્ટિક રેપર્સ, કપ, સ્ટ્રો વગેરેની મદદથી પોલીબ્રિક્સ અર્થાત પ્લાસ્ટિકની ઈંટો બનાવીને તેનો ઉપયોગ નાની મોટી વસ્તુઓના બાંધકામમાં કરે છે. પ્લાસ્ટિક કચરાના વધતા પ્રમાણના કારણે ભારતમાં કચરાનુ પ્રદુષણ ઉત્તરોત્તર વધતું જાય છે. એવામાં હિમાચલ પ્રદેશના નાનકડા સિરમૌર જિલ્લાના IAS અધિકારી R K પૃથીએ પોલીબ્રિક્સ અર્થાત પ્લાસ્ટિકની ઈંટો વડે આ સમસ્યાનું મદદરૂપ નિવારણ આપ્યું છે.
સામાન્ય ઈંટોના વિકલ્પ તરીકે પોલીબ્રિક્સ પ્લાસ્ટિક રેપર્સ, કપ, સ્ટ્રો વગેરેને બળપૂર્વક પ્લાસ્ટિકની બોટલમાં ઠસાવી દેવાથી બને છે. નોંધનીય છે કે 2 લીટરની બોટલમાં 500 ગ્રામ પ્લાસ્ટિક કચરો ઠાંસી ઠાંસીને ભરી શકાય છે. પૃથીના મતે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રતિબંધિત કર્યું છે ત્યારથી આ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી બની છે. હાલની પ્લાસ્ટિક રિસાયકલિંગ સિસ્ટમ ફક્ત ડ્રાય પ્લાસ્ટિકને જ રિસાયકલ કરે છે. ભીના પ્લાસ્ટિકમાંથી હવે પોલી બ્રિક્સ બની શકશે. નોંધનીય છે કે આ પ્લાસ્ટિક કચરાની મદદથી આ વિસ્તારમાં હાલમાં દિમકી મંદિર બુધપુર કુન લિંક રોડની 1 કિલોમીટર લાંબી સડક બનાવવામાં આવી. આ પ્રકારની સ્ટેઇનલેસ સ્ટીલની પાઇપ વડે બોટલમાં કચરો ઠાંસવામાં આવે છે. આ પ્રકારની 7500 લાકડીઓ આસપાસમાં વહેંચવામાં આવી છે. અહીં આ પોલીબ્રિક્સ વડે ફક્ત 9000 રૂપિયાના ખર્ચે એક પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યું. આ બ્રિક્સ વડે બેન્ચ, ફલાવરપોટ અને દિવાલો પણ બનાવવામાં આવે છે.