દેશની ત્રણ સરકારી વીમા કંપનીઓનુ મર્જર કરીને સૌથી મોટી વીમા કંપની બનાવવાની સરકારની યોજનાને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી શકે છે. સરકારે નેશનલ ઈન્સ્યોરન્સ કંપની, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની અને ઓરિએન્ટલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને ભેગી કરીને એક કંપની બનાવવાનુ નક્કી કર્યુ છે. દેશનુ 25 ટકા વીમા પ્રિમિયમ આ ત્રણ કંપનીઓના ફાળે જાય છે. મર્જરની સાથે સાથે સરકાર 12500 કરોડ રુપિયા પણ આપવાની છે. જે ત્રણે કંપનીઓનુ નિયમિત જરુરીયાત પુરી કરવા માટે હશે. આ ત્રણે કંપનીઓ પાસે કુલ મળીને 9243 કરોડ રુપિયાની પ્રોપર્ટી છે. 44000 કર્મચારીઓ તેમાં કામ કરે છે અને ત્રણે કંપનીઓની દેશમાં 6000 જેટલી ઓફિસો છે. એવુ મનાય છે કે, મર્જર બાદ તે દેશની સૌથી મોટી નોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બનશે. જેનુ મુલ્ય 1.50 લાખ કરોડ જેટલુ હશે. ત્રણે કંપની પાસે અલગ અલગ 200 થી વધારે ઈન્સ્યોરન્સ પ્લાન છે. માર્કેટમાં તેમનો હિસ્સો 35 ટકા છે. જાણકારોનુ માનવુ છે કે, આ નિર્ણયથી પોલીસી હોલ્ડર્સ પર કોઈ ખાસ અસર નહી થાય. તેમને મળનારા ફાયદા યથાવત રહેશે.