જામનગર તાલુકાના નાઘેડી ગ્રીન સોસાયટીમાં એક સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ૪૬ હજાર કરતા વધારેના મુદ્દામાલની ચોરી કરી જવા અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. જામનગરની ભાગોળે આવેલા વિસ્તારમાં ચોરી થતા લોકોમાં ભારે ભયની લાગણી ફેલાઇ છે. મળતી વિગતો અનુસાર જામનગર તાલુકાના નાઘેડી ગામે રહેતા ન્યુઝ રિપોર્ટર સંજયભાઇ ભીખાભાઇ મરદનીયાના માધવ ગ્રીન-૧ સોસાયટીના બ્લોક નં.ર૬-૧ર માં તસ્કરોએ ગત રાત્રિનાં પ્રવેશ કરી રોકડા રૂા.૧પ હજાર તેમજ રૂા.૮ હજારના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી. આ ચોરીથી તસ્કરોને સંતોષ ન થયો હોય તેમ તેના પાડોશી ભાવિકભાઇના મકાનમાં ત્રાટકયા હતા અને રોકડા રૂા.૪ હજાર અને સોના ચાંદીના દાગીના રૂા.૩ર૦૦ તથા પુરીબેનના બંધ મકાનમાંથી રોકડા રૂા.૧૦ હજાર અને ચાંદીના દાગીના મળી ત્રણેય મકાનમાંથી કુલ રૂા.૪૬ર૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ ત્રણેય મકાનોનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ બનાવ અંગે સવારે જાણ થયા બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તસ્કરોના સગડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની શહેરની બહાર રહેતા લોકોમાં ભારે ભયની લાગણી ફેલાઇ છે.