અમદાવાદ
અમદાવાદમા ભારે વરસાદથી હજુ પણ કેટલીક સોસાયટીમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે જ્યારે કેટલીક સોસાયટીઓના બેઝમેન્ટ સંપૂર્ણપણે પાણીમાં જોવા મળી રહ્યા છે. વેજલપુર વિસ્તારની બકેરી સીટીના સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં 30થી વધારે જેટલી ગાડીઓ પાર્ક હતી, જે તમામ ડૂબી ગઇ છે, ગઈકાલ રાતથી ભરેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા અંતે સોસાયટીના સભ્યોએ યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવા મશીન ખરીદવાની જરૂર પડી. અંદાજે 1.50 કરોડ કિંમતની ગાડીઓને ભારે નુકશાન થયું છે. છે.લોકોને તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા અંતે સોસાયટીના ફંડમાંથી જ પાણીના નિકાલ માટે મશીન લાવવાની ફરજ પડી હતી.
સોસાયટીના બેઝમેન્ટમાં 10 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા, યુદ્ધના ધોરણે પાણીના નિકાલ કરવા માટે 60 હજારનું ફાઇટર મશીન લાવ્યા છે.સોસાયટીના અગ્રણીએ જણાવ્યું કે ૩૦ જેટલી ગાડીઓ ડૂબી ગાઈ છે. સોસાયટી ઓફિસ બેઝમેન્ટમાં આવેલી છે . જેથી એમને પારાવાર મુશ્કેલી પડી હતી.એક રહીશે જણાવ્યું કે, હકીકતમાં એવું લાગ્યું કે ટેક્સના પૈસા પાણીમાં ગયા ! આવી પરિસ્થિતિમાં તંત્રની કોઇ મદદ મળી નથી ! પાણીનાં નિકાલ માટે તંત્રને જાણ કરી પરંતુ તેમના તરફથી કોઈ હકારાત્મક જવાબ ન આવ્યો જેથી અંતે અમે સોસાયટીના ફંડમાંથી જ પાણી બહાર કાઢવાનું મશીન લાવ્યા. પરિણામે હવે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે.