આસામમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના ઘર પર હુમલો, નાગરિકતા સુધારણા બિલનો વિરોધ

Spread the love

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે પરંતુ આ બિલના વિરોધમાં સમગ્ર પૂર્વોત્તર ભારત સળગી ઉઠ્યું છે. પૂર્વોત્તર ભારતની વંશીય પરંપરાઓની વિરુદ્ધમાં આ બિલની જોગવાઈઓ હોવાનું કહીને આસામ અને ત્રિપુરાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસાનો માર્ગ અપનાવ્યો છે. આગચંપીની ઘટનાઓ દરમિયાન આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના પૈતૃક ઘર પર પણ હુમલો થયો છે. વિરોધ પ્રદર્શનના કારણે આસામની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે.  તિનસુકિયા જિલ્લાના પાનીટોલા રેલવે સ્ટેશન પર પણ આગ ચાંપવામાં આવી છે આ સાથે ચબુઆ રેલવે સ્ટેશન પર પણ આગ લગાવી દેવામાં આવી છે. આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીમાં હિંસા અને આગજનીની ઘટનાઓને પગલે અનિશ્ચિત મુદ્દતનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. 10 જિલ્લાઓમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

હાથ બહાર જઈ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ઠેર-ઠેર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધી છે. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે પરિસ્થિતિની ગંભીરતા સમજતા તાત્કાલિક ધોરણે એક બેઠકનું આયોજન કર્યું હતું. બિલની વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતાં આર્મી ઉતારવી પડી છે અને રાજ્યમાં પાંચ હજાર આર્મી જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આર્મીએ બુધવારે રાત્રે ગુવાહાટી અને દિબ્રુગઢમાં ફ્લેગ માર્ચ કરી હતી.  ત્રિપુરામાં પણ આગામી 24 કલાક સુધી ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે. કેન્દ્ર સરકારે દિલ્હીથી આર્મીના જવાનોને ઉતારવા માંડ્યા છે. કાશ્મીરમાંથી 2000 જવાનોને મોકલાયા છે. આસામમાં ૨૪ કલાક માટે ૧૦ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જેનો પ્રારંભ બુધવારે સાંજે ૭ વાગ્યાથી થયો હતો. નાગરિક સંશોધન બિલના રાજ્યભરમાં શરૂ થયેલા વિરોધના પગલે આ નિર્ણય લેવાયો છે. આસામની સાથે ત્રિપુરામાં પણ નાગરિકતા બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતાં આર્મી ઉતારવી પડી છે. રાજધાની દિસપુરમાં લોકો પોલીસે મુકેલી બેરીકેડ તોડીને આગળ વધતાં તેમની પર લાઠીચાર્જ કરાયો હતો. આ લોકો સચિવાલય તરફ ધસી રહ્યા હતા. સંખ્યાબંધ વાહનોને આ દરમિયાન આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *