GJ-18 ખાતેના પાલજ રોડ પર મહીસાગર જિલ્લાના લુણાવાડા કોર્ટના ન્યાયાધીશની ગાડી અને બાઈક વચ્ચે પાલજ રોડ માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ન્યાયાધીશનો આબાદ બચાવ થયો છે. ન્યાયાધીશ ફર્સ્ટ ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ ઓફિસરની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પોતાની કાર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉક્ત રોડ પર અચાનક એક બાઈક કાર સાથે અથડાયું હતું. જેનાં પગલે બાઈક સવાર બે યુવાનોને ઈજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.
મહીસાગર જિલ્લાનાં લુણાવાડા કોર્ટના ન્યાયાધીશ જે. એન. વ્યાસે ચીલોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગઈકાલે પોતાની ફરજ પૂર્ણ કરીને સાંજના સમયે પોતાની કાર લઈને ફર્સ્ટ ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ ઓફિસરની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન આશરે નવ વાગ્યાના અરસામાં પાલજ રોડ પર એરફોર્સ સ્ટેશન નજીક એક બાઈક સવારે કોઈપણ જાતનો હોર્ન માર્યા વિના કે સાઈડ સિગ્નલ બતાવ્યાં વિના અચાનક જ રસ્તો ક્રોસ કરીને બાઇકને કાર સાથે અથડાવી દીધું હતું. જેનાં કારણે ન્યાયાધીશે પોતાની કાર સાઈડમાં ઉભી કરી દીધી હતી.આ અકસ્માતમાં બાઈક સવાર ઈસમો રોડ પર પટકાયા હતા. જેને લઈ ખુદ ન્યાયાધીશ જે એન વ્યાસે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને સ્થળ પર બોલાવી લઈ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. બાદમાં તેઓને પણ શરીરે બેઠો માર વાગ્યો હોવાથી અમદાવાદ પોતાના ફ્લેટ પર જઈને પ્રાથમિક સારવાર કરાઈ હતી. આ અકસ્માતમાં તેમની કારને પણ નુકસાન થયું હોવાથી ન્યાયાધીશ વ્યાસે ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.