વિધાનસભા ચૂંટણી વર્ષમાં કોંગ્રેસ ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ની હાલતમાંથી બહાર નીકળી શકતી ન હોય તેમ નવો આંતરિક વિવાદ સર્જાયો છે. પાટીદાર સમાજ તથા નરેશ પટેલ વિશે કાર્યકારી પ્રમુખ કબીર પિરજાદાના નિવેદનને વિવેકાસ્પદ અને પાર્ટીને
નુકશાનકર્તા ગણાવીને પાટીદાર ધારાસભ્યો જ ખુલ્લેઆમ મેદાને આવ્યા છે.
પાર્ટી પ્રમુખને લેખિત ફરિયાદો કરવા ઉપરાંત સોમવારે રૂબરૂ રજુઆતનો તખ્તો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કબીર પીરજાદાએ લઘુમતી સમુદાયના એક કાર્યક્રમમાં એવા વિધાન કર્યો હતો કે કોંગ્રેસ 11 ટકા વસતી ધરાવતા સમાજ અને તેના હાર્દિક-નરેશ પટેલ જેવા આગેવાનો પાછળ દોડે છે. પાર્ટીને જીતાડતા આપણા (લઘુમતી) ને ભુલી જાય છે. પાર્ટીએ લઘુમતીઓને વધુ પ્રતિનિધિત્વ આપીને 120 બેઠકો સાથે જીત હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કબીર પીરજાદાના આ વિધાનો સામે કોંગ્રેસમાં જ તીવ્ર આંતરિક પ્રત્યાઘાતો પડવાના શરૂ થયા હોય તેમ પીરજાદાના નિવેદનો સામે વિરોધ નૌધાવતો લેખિત પત્ર ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને લખ્યો છે અને તેમાં એમ જખાવ્યું છે કે કાર્યકારી પ્રમુખના વિષાનોથી પાટીદાર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. પાર્ટીના તથા સમાજના આર્ગેવાનોએ અમારી સમક્ષ ઉગ્ર રોષ ઠાલવ્યો છે.
પક્ષ અગ્રણીના આવા બેજવાબદારીભર્યા નિવેદનથી પાર્ટીને નુકશાન થઇ રહ્યું છે. જવાબદાર લોકો ફરી આવા નિવેદન ન કરે તેની કાળજી રાખવા તથા તાકીદ કરવાની માંગ કરી છે.
સૂત્રોએ કહ્યું કે લલિત વસોયાની જેમ અન્ય કોંગ્રેસી ધારાસભ્યો તથા આગેવાનોએ આ મામલે પ્રદેશમાં લેખિત રજુઆત કરે તેમ છે અને તેવા સંજોગોમાં પાર્ટી માટે નવો આંતરિક પડકાર સર્જાવાની આશંકા છે. ધારાસભ્યો ઉપરાંત હાર્દિક પટેલ જેવા નેતાના કોંગ્રેસને રામ-રામ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કથિત આંતરિક જૂથવાદ સહિતના મામલે કોંગ્રેસમાં આંતરિક પડકારો વચ્ચે નેતાગીરી માટે આ નવો મુદ્દો માથાના દુખાવારૂપ બને તેમ છે.
દરમ્યાન ધારાસભ્ય લલિત વસોયાએ વાતચીતમાં જખાવ્યું કે, સોમવારે પાટીદાર ધારાસભ્યો તથા પાર્ટીના પાટીદાર આગેવાનો આ મામલે પ્રદેશ પ્રભારી રઘુ શર્મા તથા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રજુઆત પણ કરશે. પોતે પરાંત હર્ષદ રીબડીયા, કિરીટ પટેલ પ્રભાત ધાત વગેરે ધારાસભ્યો આગેવાનો રજુઆતમાં જોડાશે.