મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી અબ્દુર્રહમાને બુધવારે નાગરિકતા સુધારણા બિલ રાજ્યસભામાંથી પાસ થયું તેના વિરોધમાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું છે કે, સાંપ્રદાયિક અને ગેરબંધારણીય બિલના વિરોધમાં તેમણે સેવામાંથી રાજીનામું આપી દીધું છે. મુંબઈમાં વિશેષ પોલીસ મહાનિરીક્ષક (આઈજી) તરીકે તહેનાત અબ્દુર્રહમાને નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેઓ ગુરુવારથી કાર્યાલય જશે નહીં. આ બિલ લોકોના અધિકારોની વિરુદ્ધ છે. હું તમામ ન્યાયપ્રિય લોકોને અપીલ કરું છું કે તેઓ લોકશાહી ઢબે બિલનો વિરોધ કરે આ બંધારણી મૂળ ભાવનાઓની વિરુદ્ધ છે. અબ્દુર્રહમાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મેં 1 ઓગસ્ટ, 2019ના રોજ વીઆરએસ માટે અરજી કરી હતી. 25 ઓક્ટોબરે રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને મારી વીઆરએસની ભલામણ કરી હતી, પરંતુ ગૃહમંત્રાયલે મારી વીઆરએસની અરજીને રદ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારી વિરુદ્ધ કોઇ વિભાગીય તપાસ પણ ચાલી રહી નથી. ગૃહમંત્રાયલે ઉતાવળમાં મારી વીઆરએસ અરજીને રદ કરી દીધી છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ, અબ્દુર્રહમાન વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે અને તેમણે પહેલા પણ વીઆરએસ માટે અરજી કરી હતી. અબ્દુર્રહમાન તેમની અરજીમાં લખ્યું છે કે તેઓ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે. અબ્દુર્રહમાને બિલ અંગે જણાવ્યું હતું કે, બિલ સ્પષ્ટ રીતે મુસ્લિમ સમાજના લોકોની વિરુદ્ધ ભેદભાવ કરે છે. બિલ સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે અને કાયદાના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે. બિલ પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશને ધાર્મિક અને સાંપ્રદાયિક આધારે વિભાજીત કરવાનો છે. મુસ્લિમ સમાજમાં બિલને કારણે ભય છે. બિલ મુસ્લિમોને તેમનો વિશ્વાસ છોડીને તેમની નાગરિકતા બચાવવા માટે કેટલાક અન્ય ધર્મનો અંગીકાર કરવા માટે મજબૂર કરે છે. ભારતીય પોલીસ સેવાના મહારાષ્ટ્ર કેડરના અધિકારી અબ્દુર્રહમાન ગયા 21 વર્ષથી રાજ્યમાં સેવા આપી રહ્યા છે.