ચાલુ વર્ષના ઓક્ટોબર સુધીમાં ઓછામાં ઓછી 21,400 ભારતીય વેબસાઇટ્સ હૅક કરવામાં આવી હતી એવી માહિતી ઇલેક્ટ્રોનિક્સ ખાતાના રાજ્ય પ્રધાન સંજય ધોત્રેએ સંસદમાં આપી હતી. લોકસભામાં અપાયેલા લેખિત જવાબમાં ધોત્રેએ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમના અહેવાલને ટાંકીને આ માહિતી આપી હતી. ધોત્રેએ કહ્યું હતું કે 2016માં 33,147, 2017માં 30,067 અને 2018માં 17,560 ભારતીય વેબસાઇટ્સ હૅક કરવામાં આવી હતી. તેમના અભિપ્રાય મુજબ મોટે ભાગે ચીની અને પાકિસ્તાની હૅકર્સ આ અપરાધખોરીમાં સંડોવાયેલા હતા. તેમણે ઉમેર્યું હતું કે એક કરતાં વધુ વખત દેશ પર સાઇબર એટેક કરવાના નિષ્ફળ પ્રયાસો પણ આ લોકોએ કર્યા હતા. તેમણે કહ્યું કે આ વાત નવી નથી. દુનિયાભરની કોમ્પ્યુટર સેવાઓ સાથે આવું કરાય છે. ગુપ્ત સર્વર અથવા પકડાય નહીં એવી ટેક્નોલોજી વાપરીને હૅકર્સ આવી ગોલમાલ કરતા હોય છે. આવી અપરાધખોરી સામે લડવા દરેક દેશ પોતાની રીતે ટુકડીઓ તૈયાર રાખે છે. આ ટુકડીમાં રોજબરોજ શોધાતી અને અમલમાં મૂકાતી ટેક્નોલોજીના નિષ્ણાતોને રોકવામાં આવે છે જે સાઇબર એટેક પણ રોકી શકે છે. આપણી પાસે પણ એવી ટીમ છે જે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે.