આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર
“મા વાત્સલ્ય” કાર્ડ પરથી નીકળેલા આયુષ્માન કાર્ડ, આવકના દાખલા આધારિત હોઈ, આવકના દાખલાની ત્રણ નાણાંકીય વર્ષની સમયમર્યાદા પૂર્ણ થયેથી આયુષ્માન કાર્ડની સેવાઓ બંધ થઈ જાય છે
ગાંધીનગર
આયુષ્માન કાર્ડની સમય મર્યાદા તા. 31 જુલાઈ, 2022ના રોજ પુર્ણ થતી હોય તેવા લાભાર્થીઓને તાકીદે નવા આવકના દાખલા કઢાવી આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ કરવામાં આવી છે.
31 જુલાઈ, 2022 સુધીમાં લાભાર્થી કુટુંબો જેમના આયુષ્માન કાર્ડ, આવકના દાખલા આધારિત હોય તેમના આયુષ્માન કાર્ડની સેવાઓ બંધ થઈ ગયેલ છે. તેવા તમામ લાભાર્થીઓને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે તાત્કાલિક લાભાર્થીઓને તેમના આવકના દાખલા, તલાટી કમ મંત્રી નાયબ મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદારશ્રી/સીટી મામલતદાર પાસેથી કઢાવી, આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવા અપીલ કરી છે.રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી સત્વરે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
“પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત પ્રોસીજર/ઓપરેશન માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. કુટુંબનાં સભ્યોની મર્યાદા વગર, બધા જ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે. રાજ્યની 1883 સરકારી અને 713 ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બિમારીઓ માટે કુલ 2711 જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતના અંદાજિત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ૪ કરોડ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા 07/04/2022થી એક નવી પહેલ રૂપે “આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” પણ આરંભવામાં આવી છે. મહત્તમ લોકો આયુષ્માન કાર્ડથી લાભાન્વિત થાય તે પ્રકારનું વ્યવસ્થાપન હાથ ધરાયું છે. જે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓના પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. અગાઉ એક કાર્ડ ઉપર એક પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારના દરેક સભ્યને PMJAY-MA કાર્ડનો લાભ મળે તે પ્રકારનું સુદ્રઢ આયોજન રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે.
“મા વાત્સલ્ય” કાર્ડ પરથી નીકળેલા આયુષ્માન કાર્ડ એ આવકના દાખલા આધારિત હોય, આવકના દાખલાની ત્રણ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થયેથી, આયુષ્માન કાર્ડની સેવાઓ બંધ થઈ જાય છે, જેને નવા આવકનો દાખલો કઢાવી રિન્યુ કરાવવાનું હોય છે. લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે અને સંકટ સમયે ઓચિંતી દોડાદોડ ન કરવી પડે તે માટે “આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” અંતર્ગત મિશન મોડ પર આવકના દાખલા કઢાવી, આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
“આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” અંતર્ગત “મા વાત્સલ્ય” કાર્ડના લાભાર્થીઓ, જેમના આયુષ્માન કાર્ડને સંગત આવકના દાખલાની ત્રણ નાણાંકીય વર્ષની સમયમર્યાદા પૂર્ણથી આયુષ્માન કાર્ડની સેવાઓ બંધ થઈ ગઈ, તેમને વ્યક્તિગત SMS મોકલવામાં આવ્યા છે, ગામે-ગામ આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો મારફતે ડોર-ટુ-ડોર દસ્તક કરી આવકના દાખલા રિન્યુ કરાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, ઠેર-ઠેર અતિદુર્ગમ વિસ્તારના ગામોમાં પણ આયુષ્માન કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યા છે. જેના પરિણામે મોટા ભાગના લોકોએ નવા આવકના દાખલ સાથે આયુષ્માન કાર્ડ રીન્યુ કરાવ્યા છે. વધુમાં “મા” અને “મા વાત્સલ્ય”ના BIS સોફ્ટવેરમાં મોટા ભાગના પાત્રતા ધરાવતા લોકોએ નવા આયુષ્માન કાર્ડ માટે નોંધણી પણ કરાવી છે. 31 જુલાઈ, 2022 સુધીમાં લાભાર્થી કુટુંબો જેમના આયુષ્માન કાર્ડ, આવકના દાખલા આધારિત હોય તેમના આયુષ્માન કાર્ડની સેવાઓ બંધ થઈ ગયેલ છે.
વધુમાં રાજ્યના કોઇપણ જરૂરિયાતમંદ ગરીબ કે મધ્યમવર્ગીય દર્દીને સારવાર ખર્ચના કારણે દેવાદાર બનવું ન પડે તે માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ છે, અણીના સમયે આવકનો દાખલો કઢાવવો ન પડે અને આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવાની જહેમત ન કરવી પડે તે માટે “મા વાત્સલ્ય” કાર્ડના લાભાર્થીઓએ તાકીદે તેમના આયુષ્માન કાર્ડ નવા આવકના દાખલ સાથે રિન્યુ કરાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.