કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
ગાંધીનગર
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપીને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. એટલે પશુપાલકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે તૈનાત છે.
કૃષિ અને પશુપાલન મંત્રી એ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે
રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર,અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ ૧૭ જિલ્લાના ૧૭૪૬ ગામોમાં ૫૦,૩૨૮ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ ૫૦,૩૨૮ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધી રાજયમાં કુલ ૧૨૪૦ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૫.૭૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ ૧૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ ૧૭ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૧૯૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૫૬૮ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણ ની કામગીરી ચાલુ છે. વધારાના ૨૯૮ આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુદવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે.
પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત ૧૦૭ સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યા છે. રાજયમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા માટે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજય મંત્રી દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગામ ફુલઝર અને રેશમિયા, અને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ની સ્થળ મુલાકાત લીધી છે અને રોગના ઝડપી નિયંત્રણ માટે સ્થાનિક તંત્રને જરૂરી સુચનો કર્યા હતા.
કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દ્વારા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની કામગીરીનાં સ્થળ નિરિક્ષણ માટે જામનગરની વચ્છરાજ ગૌશાળા, વિભાપર અને માં-દર્શન ગૌ શાળા,દરેડની મુલાકાત લીધી છે. સાથોસાથ સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જીલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી સંદર્ભે રાજયના મુખ્ય સચિવ દ્વરા પણ સમીક્ષા કરવામાં આવી છે અને પશુપાલન સચિવશ્રી અને પશુપાલન નિયામકશ્રી એ ઉપસ્થિત રહી રાજયમાં થયેલ કામગીરીની વિગતો આપી હતી.
પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરુ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ પર છેલ્લા આઠ દિવસમાં ૧૫,૫૮૩ એટલે કે દરરોજ સરેરાશ ૧૯૪૮ જેટલા કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે. રાજયમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણ માટે રાજય સરકાર દ્વારા કુલ ૧૪ જિલ્લ્લાઓમાં પશુઓની હેરફેર અને પશુ મેળાઓ પર પ્રતિબંધ માટે તા.૨૬.૦૭.૨૦૨૨નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. સાથોસાથ આ રોગના નિયંત્રણ અને મોનીટરિંગ માટે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની સમિતિની રચના અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે.