રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ હવે આ બિલે એક કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સૂત્રોના અનુસાર ગુરૂવારના રોજ સત્તાવાર સૂચનાપત્રમાં જાહેર થતાની સાથે જ આ કાયદો લાગૂ થઈ ગયો છે. લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ આ બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ નાગરિકતા કાયદો, 1955માં જરૂરી સુધારાઓ કરી દેવામાં આવ્યા છે. આ કાયદા અનુસાર હિંદૂ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમાજના જે સભ્યો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે અને જેમને પોતાના દેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનવું પડ્યું છે તેઓને ગેરકાયદેસર પ્રવાસી ગણવામાં નહીં આવે. હવે આવા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. નાગરિકતા સુધારણા બિલને સોમવારના રોજ લોકસભામાંથી અને બુધવારના રોજ રાજ્યસભામાંથી મંજૂર કરવામાં આવ્યું હતું અને ગુરૂવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કરીને આને કાયદો બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી. આ કાયદા અંતર્ગચ છ સમાજના શરણાર્થિઓને પાંસ વર્ષ સુધી ભારતમાં રહ્યા બાદ ભારતની નાગરિકતા મળવી જોઈએ. નોંધનીય છે કે અત્યારસુધી આ સમયસીમા 11 વર્ષની હતી.