નાગરિકતા સુધારણા બિલ (કેબ)ની વિરદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ તેમનો ભારત પ્રવાસ રદ કરી દીધો હોવાનું જણાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શિંજો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આસામના ગુવાહાતિમાં એક સમિટ યોજાવવાની હતી જો કે કેબના વિરોધમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને શિંજો આબે તેમનો પ્રવાસ રદ કરી દીધો છે. નાગરિકતા સુધારણા બિલના વિરોધમાં પૂર્વોત્તર સહિત સમગ્ર આસામમાં વિરોધ-પ્રદર્શન થઇ રહ્યા છે. બુધવારે આર્મીએ ફ્લેગ માર્ચ કરીને રસ્તાઓ પર કરફ્યૂ લાદી દીધો હતો. વિરોધમાં ઉતરેલા લોકો પર પોલીસે ગોળીબાર કરતા બે લોકોના મોત થયા હતા. આસામમાં ટ્રેનોની સાથે-સાથે અનેક ફ્લાઈટો પણ રદ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ દિબ્રુગઢ સ્થિત મુખ્યમંત્રી સર્વાનંદ સોનાવાલાના ઘર પર પથ્થરમારો કર્યો હતો. મેઘાલયમાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. શિલોન્ગમાં અનિશ્ચિતકાળ સુધી કરફયૂ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 48 ક્લાક સુધી ઈન્ટરનેટ અને એસએમસ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે.