અમદાવાદ
‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી https://harghartiranga.com વેબસાઈટ પર અપલોડ કરી ઉજવણીમાં સહભાગી થઈ શકશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ દરમ્યાન “હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ-વેપાર ગૃહ, સરકારી અને ખાનગી કચેરી સહિતના તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે.
દેશના નાગરિકો “હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશની જુદી-જુદી ૧૨ ભાષા સાથે હર ઘર તિરંગા નામની વેબસાઈટ તૈયાર કરાઇ છે. તેમાં નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી શકશે. આ વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરવા માટે સૌ પ્રથમ ઈન્ટરનેટ બ્રાઉઝર પર https://harghartiranga.com લખવાથી વેબસાઈટ ઓપન થશે. ત્યારબાદ તેમાં આપવામાં આવેલ કોલમમાં પોતાનું નામ અને લોકેશન ઉમેરતા તેમના નામનું પ્રમાણપત્ર જનરેટ થશે. ત્યારબાદ અપલોડ સેલ્ફી વીથ ફ્લેગ પર ક્લીક કરવાથી પોતાનું નામ અને તિરંગા સાથે ક્લીક કરેલ સેલ્ફી અપલોડ કરી શકાશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વેબસાઈટ પર પોતાના નામ સાથેનો ફોટો અપલોડ થયેલો જોઈ શકાશે.રાજ્યના તમામ નાગરિકો આ વેબસાઈટની મુલાકાત લઈ દેશની આન, બાન અને શાન સમા તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી રાષ્ટ્રીયકક્ષાની ઉજવણીમાં સહભાગી થાય તેવી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.