મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગપાલિકાને આંતરમાળખાકીય વિકાસના ૯ કામો રૂ. ૩૭ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ર૦રર-ર૩ ના વર્ષની કરેલી દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી
મુખ્યમંત્રીશ્રીએ આ દરખાસ્તને સૈદ્ધાંતિક અનૂમતિ આપતાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાંચ કામો માટે રૂ. ર૧ કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૧ કામ માટે રૂ. ૭ કરોડ તેમજ આગવી ઓળખના ૩ કામો માટે રૂ. ૯ કરોડ મળી કુલ ૩૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે
તદઅનુસાર, ફિઝીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના જે કામો હાથ ધરાશે તેમાં પેથાપૂર, વાવોલ, ઝૂંડાલ અને કોબા ખાતે કોમ્યુનિટી હોલ, વોર્ડ ૧૦ કે ૧૧ માં ફાયર સ્ટેશન, સ્ટ્રીટ લાઇટ, જુદા જુદા સેક્ટર ફરતે કમ્પાઉન્ડ વોલ તેમજ સુઘડ, નભોઇ, વાસણા હડમતિયા, ઝૂંડાલ, ખોરજ, ભાટ, કોટેશ્વર અને અમિયાપૂર તથા કોબામાં સ્મશાન અને કબ્રસ્તાનના નવિનીકરણની કામગીરી જેવા પાંચ કામો માટે કુલ ર૧ કરોડ ફાળવાશે
.
સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના કામો અંતર્ગત કોબા અને ઝૂંડાલ ખાતે નવિન અર્બન હેલ્થ સેન્ટર તેમજ સેક્ટર ર૪, ર૯ અને ર ના અર્બન હેલ્થ સેન્ટરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના કામો માટે રૂ. ૭ કરોડ મહાનગરપાલિકાને ફાળવાશે
.
એટલું જ નહિ, વોર્ડ નં.૧૧ અને ર માં ગાર્ડન ડેવલપમેન્ટ તથા સેક્ટર-૩૦ અને બોરીજ ખાતે પણ ગાર્ડન વિકાસ એમ કુલ ૩ કામો માટે રૂ. ૯ કરોડ ફાળવવામાં આવશે.
આ ૯ કામોની દરખાસ્તમાં સૂચવેલા કામોના વિગતવાર અંદાજો અને ટેક્નિકલ મંજૂરી મેળવ્યા બાદ ગાંધીનગર મહાનગરપાલિકા તેની કામગીરી શરૂ કરી શકશે એવું પણ સૂચવવામાં આવ્યું છે