દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર નાગરિકતા સંશોધન કાયદાનો (CAA) વિરોધ કરવા માટે વધુ એક વખ વિદ્યાર્થીઓ એકત્ર થયા છે. એક સપ્તાહ પૂર્વે ગત રવિવારે જામિયામાં કેમ્પસમાં નાગરિકતા સંશોધન કાયદા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારબાદ દેશભરમાં તેના ઉગ્ર પડઘા પડ્યા છે. દેશમાં ઠેર ઠેર સીએએનો વિરોધ જોવા મળી રહ્યો છે. લખનઉ, મેરઠ, બિહાર, ગુજરાત સહિત તમામ રાજ્યોમાં નાગરિકતા કાયદો પરત ખેંચવાની માંગ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.
શનિવારે બપોર બાદ જામિયા યુનિવર્સિટી બહાર વિદ્યાર્થીઓ માટાપાયે એકત્ર થયા છે. યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પાસે સૌપ્રથમ મહિલા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં યુવાનો પણ જોડાયા છે. વિરોધ માટે એકત્ર વિદ્યાર્થીઓ ‘લડકે લેંગે આઝાદી’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે. શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદ બહાર પણ હજારોની સંખ્યામાં લોકોએ એકત્ર થઈને સીએએનો વિરોધ કર્યો હતો. નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી તંગદીલી સર્જાઈ છે. હાલ પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને કોઈ અનિચ્છિનિય ઘટના ના ઘટે તે માટે એલર્ટ છે. ગત સપ્તાહે રવિવારે દક્ષિણ દિલ્હીમાં આજે કેટલાક તોફાની તત્વોએ ચાર સરકારી બસોને આગ ચાંપી દીધી હતી અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જેને પગલે જામિયામાં ફરી એક વખત વિરોધ પ્રદર્શન શરૂ થતા સ્થાનિકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.