બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેર વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે અપીલ કરી રહ્યા છે. જામિયામાં વિદ્યાર્થીઓના પ્રદર્શન અને પોલીસ સાથે થયેલી હિંસક અથડામણ બાદ દેશની લગભગ તમામ મુખ્ય યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને સમર્થન આપતા મેદાનમાં ઉતરી આવી છે. જોત-જોતામાં આ વિરોધ સમગ્ર દેશમાં શરૂ થઈ ગયો છે. જેના પર હવે અનુપમ ખેરે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. આ વીડિયોમાં અભિનેતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક પ્રદર્શન કરવા માટેની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. આમાં તેઓ પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. અનુપમ ખેરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભારતના તમામ અદ્ભુત વિદ્યાર્થીઓને મારી અપીલ – પ્રોટેસ્ટ તમારો અધિકાર છે, પરંતુ ભારતને બચાવવું એ પણ તમારું કર્તવ્ય છે.’ અનુપમ ખેરના આ ટ્વીટ પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. તેમના ટ્વીટ પર લોકો પોત-પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા છે.