રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી ભાવસભર થઈને મંત્રીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ હતી……. 1000થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપવામા અમદાવાદ જીલ્લો મોખરે
અમદાવાદ
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના 40 હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે, એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો. વડાપ્રધાનના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે, એ શક્ય બન્યું છે.
‘નાગરિકો કો લખ લખ વધાઈયાં’ કહીને ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે.
મંત્રીએ ભારતીય નાગરિકતા ધારણ કરનાર સૌનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ‘આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો. ગુજરાતમાં તમે સૌ સલામતી નો અનુભવ કરી શકશો એવી ખાતરી પણ મંત્રીશ્રીએ સૌને આપી હતી.વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે 1000થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ભારતનું નાગરિક મેળવનારા 40 હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપી રહ્યા હતા ત્યારે કેટલાક ભાવસભર દૃશ્યો સર્જાયા હતા. રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી ભાવસભર થઈને મંત્રીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌની આંખોમાં આનંદના ભાવ છલકાતા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર એસ.કે. પટેલે કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.છેલ્લાં સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય છે. જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
2017થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1032 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. વર્ષ 2017માં 187, વર્ષ 2018માં 256, વર્ષ 2019માં 205, વર્ષ 2020માં 65, વર્ષ 2021માં 212 અને વર્ષ 2022માં અત્યાર સુધીમાં 107 એમ કુલ 1032 હિંદુઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.