ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર
રાજ્યવ્યાપી બંધમાં જોડાવા નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વેપારીઓને અપીલ : ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા પણ તમામ વેપારીઓને અપીલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે તેથી જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં મોંઘવારીના મારથી પરેશાન ગુજરાતની મહિલાઓ અને બેરોજગારીનો સામનો કરતા યુવાનોને પ્રતિકાત્મક બંધમાં વિશેષ પણે જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે. ગુજરાત બંધના સ્વૈચ્છીક એલાનમાં વિવિધ વ્યાપારી, સંગઠનો જેવા કે બુલીયન એસોસીએશન, ચેમ્બર ઓફ કોમર્સ, કાપડ માર્કેટ, જથ્થાબંધ માર્કેટ, એ.પી.એમ.સી., ફૂટવેર એસોસીએશન, ઈલેક્ટ્રોનીક ફરસાણ, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, હાર્ડવેર, સ્ટેશનરી, પાન-ગલ્લા, ઠંડાપીણા, મંડપ, ડેકોરેશન, રેંકડીધારકો, કેબીન એસોસીએશન, હોઝિયારી એસોસીએશન, પાથરણાવાળા વેપારીઓ, સ્ટેમ્પ વેન્ડરો, શહેર – જિલ્લાના તમામ નાના મોટા વેપારી સંગઠનો, તમામ વ્યાપારી મિત્રો તથા સજાગ ગુજરાતીઓને પ્રતિકાત્મક બંધમાં જોડાવા અપીલ કરી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચાર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજ બરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે.એવી એકપણ વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. દુધ, દહી, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાર્થો પર જીએસટી લગાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધુ છે. દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતીને કારણે દેશમાં 14 કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર – કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ ના નામે ગુજરાતના યુવાનોનુ સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. 20 થી 24 વય જુથના 42% યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે 2,30,000 થી વધુ લઘુઉધોગો બંધ પડી ગયા, કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા. ગુજરાતમાં 458976 નોંધાયેલા બેરોજગાર યુવાનો જ્યારે ન નોંધાયેલા 40 લાખ કરતાં પણ વધુ યુવાનો રોજગાર માટે રાહ જોઈને બેઠા છે. જ્યારે ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં 4.50 લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. આમ એકંદરે લોકો ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારીનો બેવડો માર સહન કરવા મજબુર બન્યા છે. નાના લારી ગલ્લા, પાથરણાવાળા, ફેરીયાઓ, રોજીંદુ કમાતા લોકોને સમજાવટ થી પ્રતિકાત્મક બંધમાં જોડાવા વિનંતી કરાઈ છે, સાથોસાથ ઈમરજન્સી સેવાઓને ક્યાંય પણ અડચણ ન થાય, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, દવાખાના, દવાની દુકાનોને તે માટે કોંગ્રેસજનો – આગેવાનોએ મદદકર્તા બની રહેવું, પગપાળા સંઘ, પંડાલ અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ કોઈપણ સરકારી મિલકતો જેવી કે બસ, સરકારી વાહનો, ઓફિસો ઈત્યાદીને નુકસાન ના થાય તેનું કોંગ્રેસ આગેવાનો – સ્થાનિક કાર્યકર્તાઓએ તકેદારી રાખવા સુચના આપેલ છે. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોનો લાગણીને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી બપોરના 12-00 કલાક સુધીનું સાંકેતિક બંધનું આહવાહન કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય વિરજી ઠુંમર
લાઠી બાબરના અને દામનગરના ધારાસભ્ય વિરજી ઠુંમર દ્વારા તમામ વેપારીઓને અપીલ કરાઈ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્રના કારણે મોંઘવારી,બેરોજગારી કાયદો અને વ્યવસ્થા અને અર્થતંત્ર નિષ્ફળ નિવડતા પ્રદેશ કોંગ્રેસના સવાર થી બપોર સુધીના બંધના એલાનમાં વેપારીઓ અને લોકોને જોડાવવા અનુરોધ કરાયો છે .લોકો તેમજ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખી કોંગ્રેસના બંધના એલાનને સફળ બનાવે તેવી જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા લાઠી બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ લાઠી બાબરા અને દામનગર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વેપારી આગેવાનોએ લાગણી વ્યક્ત કરી દરેક વેપારીઓ તેમજ લોકોને જાહેર અનુરોધ કર્યો છે.