વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો તેના ત્રીજા જ દિવસે લીઝ ટ્ર્સ દ્વારા ગ્રાહકોના ઉર્જાના બીલ ઉપર ફ્રીઝ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે ઉર્જાના ભાવ ભલે વધે પણ ગ્રાહકો પાસેથી વિવિધ કંપનીઓ એક ચોક્કસ ભાવ કરતા ઊંચા ભાવે વીજળી કે ગેસના બીલ ચાર્જ કરી શકશે નહી. તા. ૧ ઓક્ટોબરથી અમલમાં આવતા નવા ભાવ બાંધણા મુજબ ગ્રાહકોએ વર્ષે મહત્ત્વ ૨૫૦૦ પાઉન્ડનું બીલ જ ચૂકવવાનું રહેશે.
ભારતમાં સરકારી તિજાેરી ઉપર બોજ બને નહી એ રીતે વીજળીના બીલ માફ કરવા, ખેડૂતોને મફત વીજળી આપવા અંગે સત્તાધારી પક્ષ વિપક્ષ દ્વારા કરવામાં આવતી આવી જાહેરાતને પ્રજાને ફેંકવામાં આવતી રેવડી કહી ટીકા કરી રહી છે ત્યારે વિશ્વના સૌથી ધનિક દેશોમાંથી એક દ્વારા આ રીતે પ્રજાને રાહત આપવા માટે પેકેજની જાહેરાત કરી છે.
આ પેકેજ અનુસાર ઉર્જાના બીલ વધે તો બ્રિટીશ સરકાર કંપનીઓને રોકડ આપી રાહત આપશે. આ માટે વડાપ્રધાને ૪૦ અબજ પાઉન્ડની અનામત રાખવાની જાહેરાત કરી છે. અત્રે નોંધવું જાેઈએ કે પૂર્વ વડાપ્રધાન બોરિસ જહોન્સનના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી ઋષિ સુનાકે આપેલી પ્રતિ કુટુંબ ૪૦૦ પાઉન્ડની એનર્જી બીલની રાહત પણ ચાલુ રાખવામાં આવી છે. બ્રિટનમાં ત્યારે ઉર્જાના ભાવ ૧૯૭૧ પાઉન્ડ છે તે ઓક્ટોબર મહિનામાં વધી ૩૫૪૯ પાઉન્ડ થવાના હતા. વડાપ્રધાનની નવી જાહેરાતથી દરેક કુટુંબને ૧૦૦૦ પાઉન્ડની બચત થશે એવી સરકારની અપેક્ષા છે.