અમદાવાદનાં બાપુનગરમાં જીજ્ઞેશ મેવાની, જગદીશ ઠાકોર અને હિંમતસિંહ પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી
જગદીશ ઠાકોર , સુખરામ રાઠવા , ભરતસિંહ સોલંકી , શૈલેષ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરો – પદાધિકારીઓની થઈ અટકાયત
અમદાવાદ
પ્રજા વિરોધી ભાજપ સરકારના શાસનમાં જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં આજે બપોરે ૧૨વાગ્યા સુધીના રાજ્યવ્યાપી બંધમાં નાના-વેપાર, ધંધા, સ્વરોજગાર સહિતના વિવિધ વ્યાપારીઓએ જબરદસ્ત સમર્થન અંગે ગુજરાતની જનતાનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરો, ૨૪૯ તાલુકા, ૧૫૯ થી વધુ નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષના કાર્યકરો – આગેવાનો – મુખ્ય આગેવાનો પણ પ્રતિકાત્મક બંધને સફળ બનાવવા માટે સવાર થી જ વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતાં. અનેક વિસ્તારોમાં જનતાએ મોંઘવારી – બેરોજગારી સામે ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો.
શાળા – કોલેજોએ પણ મોટે ભાગે શૈક્ષણીક કાર્ય બંધ રાખી, વિદ્યાર્થીઓએ પ્રતિકાત્મક બંધમાં જોડાઈને મોંઘા શિક્ષણ સામે આક્રોશ વ્યકત કર્યો. મોંઘવારીના માર થી પરેશાન ગુજરાતની મહિલાઓ અને બેરોજગારીનો સામનો કરતા યુવાનો ૧૦મી સપ્ટેમ્બરના પ્રતિકાત્મક બંધમાં મોટી સંખ્યામાં જોડાયા. અમદાવાદનાં બાપુનગરમાં જીજ્ઞેશ મેવાની, જગદીશ ઠાકોર અને હિંમતસિંહ પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી અને તેમણે મોંઘવારી, ડ્રગ્સના દૂષણ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે બાપુનગર પોલીસે વહેલી સવારે જ કોંગ્રેસના નાગજી દેસાઈની અટકાયત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ બંધને આપેલ સમર્થન એ ભાજપાની જનવિરોધી નીતિ સામેનો આક્રોશ છે. “બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજ બરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે એવી એકપણ વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. દુધ, દહી, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાર્થો પર જીએસટી લગાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધુ છે. ફીક્સ પગાર – કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ ના નામે ગુજરાતના યુવાનોનુ સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે.
સાંકેતિક બંધના એલાનમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ઉત્તર ગુજરાતના સંગઠન પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, જીગ્નેશ મેવાણી, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો , શહેર – જીલ્લા – તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને પ્રદેશના પદાધિકારીઓની ઠેરઠેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.