ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા ફેસબૂક અકાઉન્ટ પર એક કવિતા અપલોડ કરી હતી. આ કવિતા અપલોડ કરતા રાજકીય લોબીમાં ખળભળાટ મચી ગયો છે. જય નારાયણ વ્યાસે દેશની સ્થિતિનું વર્ણન કરતી કવિ જુગલ દરજીની એક કવિતા પોસ્ટ કરી છે.
તેમને પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે,
‘ખડગની ધાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે;
લૂલી સરકાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
યુવા બેકાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે,
ભૂખ્યા ઘરબાર પર લખતા કવિના હાથ ધ્રૂજે છે.
એ સ્ત્રીઓના અલંકારો અને બસ રૂપ પર લખશે,
પણ અત્યાચાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
કે લીલી કૂંપળો ‘ને કેસરી કળીઓ હણે એવી,
ખૂલી તલવાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
ભલામણને ભઈબાપા કરી એવોર્ડ લીધા છે,
કે ભ્રષ્ટાચાર પર લખતાં કવિના હાથ ધ્રૂજે છે.
જુગલ દરજી’
આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બેરોજગારી, મહિલા અત્યાચાર, મોંઘવારીની સાંપ્રત પરિસ્થિતિને ઉજાગર કરી છે. કવિના શબ્દો અંગે સરકાર સંવેદનશીલ બને તે સમયની માગ છે. સાચી સ્થિતિને જય નારાયણભાઈએ કવિતા પોસ્ટ કરી છે. જય નારાયણભાઈની વેદના બાદ સરકાર સત્વરે જાગે છે. આ બાબતે જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, હું સાહિત્યનો માનસ છું મને કાવ્ય ગમ્યું એટલે મેં પોસ્ટ કર્યું છે. આ પોસ્ટને રાજનીતિની સાથે કોઈ લેવા-દેવા નથી.