ગુજરાતના મહેસાણા જિલ્લામાં પોતાના એકમાત્ર દિકરાની હરકતથી કંટાળેલા વૃદ્વ માતા-પિતાએ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેમના એકમાત્ર દિકરાએ પોતાના જ ફળિયામાં રહેતી વિવાહિત મહિલા સાથે ભાગી જઇને લગ્ન કરી લીધા હતા. તેથી આખરે વૃદ્વ માતા-પિતાએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના વીજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. વીજાપુર પોસ્ટ ઓફિસ પાસેના એક ફળિયામાં રહેતા ધનજીભાઇ પટેલ (ઉંમર વર્ષ 75) અને તેમની પત્ની હંસાબેન પટેલ (ઉંમર વર્ષ 70) છેલ્લા એક મહિનાથી દુ:ખી હતા. આથી કંટાળેલા માતા-પિતાએ શુક્રવારે રાત્રે ઉંદર મારવાની દવા ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ખરોડ ગામમાં રહેતા પિતરાઇ ભાઇએ આ જાણકારી પોલીસને આપી હતી. ત્યારબાદ વીજાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખી ઘટનાની તપાસ શરૂ કરી હતી.
વીજાપુર પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળનાર અધિકારીએ કહ્યું હતું કે, બંનેના દેહ પોસ્ટમોર્ટમ માટે વીજાપુર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. વૃદ્વ માતા-પિતાના રૂમમાંથી કોઇ આપત્તિજનક વસ્તુ મળી નથી. પડોશીઓ અને કુટુંબીજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, તેમનો એકમાત્ર દિકરો એક મહિના પહેલા પાડોશમાં રહેતી વિવાહિત મહિલાને ભગાવીને લઇ ગયો હતો. ત્યારબાદ બંને ચૂપચાપ રહેતા હતા અને કોઇ સાથે સરખી વાત પણ નહોતા કરતા. પોલીસનું માનવું છે કે, વૃદ્વ દંપતિએ દિકરાના વર્તનથી હતાશ થઇને આ પગલું ભર્યું હશે.
હાલ આ ઘટના અંગે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુટુંબીજનોના કહ્યાં અનુસાર, તેમના દિકરાની હજુ સુધી કોઇ ખબર નથી. તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે જેથી તેના માતા-પિતાના અંતિમ સંસ્કાર થઇ શકે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.