ગાંધીનગર
આજે વિધાનસભા ગૃહમાં ખાધતેલના વધતા ભાવોને અંકુશમાં રાખવા બાબતના પ્રશ્નમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે રાજ્યમાં છેલ્લા 27 વર્ષીય ભાજપના રાજમાં હવે ગરીબોના ચૂલે થઇ રહયુ છે તેલનુ ટીપુંય દોહ્યલુ અને અમીરોની મજારે ધી ના દિવા થાય તેવી મૂડીવાદી સરકારી વ્યવસ્થાનો ભોગ રાજયના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો બની રહયાં છે.
સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદનો ઉપર કાળા કરવેરા વસુલવાની ગુજરાતમાં શરૂઆત કરનારી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી માનસિકતાના કારણે કૃષિ ઉપજના મૂળ ઉત્પાદક એવા ખેડુતોની તમામ ઉપજો પાણીના ભાવે લૂંટાઈ રહી છે અને બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગીય ઉપભોકતા એવા ગ્રાહકોએ મોંધવારીનો માર શું કામે સહન કરવો પડે તેવો વેધક સવાલ ઉઠાવતા ધાનાણીએ જણાવેલ કે, આજે ખુલ્લી બજારમા વેંચાઈ રહેલ વિવિધ તેલીબીયાંની જણસોના સરેરાશ મણ દિઠ (ર૦ કિ.ગ્રામ) ના ભાવ મુખ્યત્વે મગફળીનો ભાવ રૂ.૯૦૦, કપાસનો ભાવ રૂ. ૧૫૦૦, સરસવનો ભાવ રૂ. ૧૦ર૧, સોયાબીન ભાવ રૂ. ૯૪૩, સૂર્યમુખીનો ભાવ રૂ. ૯૯૧, એરંડાનો ભાવ રૂ. ૧૩૪૬, તલનો ભાવ રૂ. રર૦૦ સહિત લગભગ તમામ ખેત-ઉપજો ખૂબ નહિંવત ભાવે વેચાઇ રહી છે.
એક તરફ પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ? સરકારી રેકર્ડ મુજબ ગત ૧૦ સપ્ટેમ્બર, ર૦રરના રોજ સિંગતેલ ડબાના રૂ. ૨૬૩૧, કપાસીયા તેલ ડબાના રૂ. ૨૫૦૨, સરસવ તેલ ડબાના રૂ. ૨૩૯૧, સોયાતેલ ડબાના રૂ. ૨૧૮૨, સૂર્યમુખી તેલ ડબાના રૂ. ૨૩૯૪, પામતેલ ડબાના રૂ. ૧૯૦૨, સહિત જીવન જરુરી ચીજવસ્તુઓના ઊંચા ભાવ વસુલવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ધરે બે ટાણા ચુલો નથી સળગતો ત્યારે કાળજાળ મોંધવારીના મારથી પીડાતી ગુજરાતની ગૃહિણીઓએ હવે શાકનો વઘાર તેલથી કરવો કે પછી ખાલી પાણીમા ભોજન પકાવવુ તેવો સરકારને વેધક સવાલ કરતાં ધાનાણીએ જણાવ્યું હતું કે, સતત વધતા તેલના મોંઘા ભાવના કારણે ઘરનુ ભોજન, પાઉભાજી, ગાંઠીયા, ભજીયા, પેટીસ, પાણીપુરી સહિતના વિવિધ નાસ્તા અને ફરસાણને સત્વરે મોંઘવારીમાંથી મુક્તિ આપવા માટે કરવેરાના દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગણી કરેલ હતી.આવી જ રીતે ગૃહિણીઓના રસોડામાં રોજબરોજની જરૂરિયાતવાળી નીચે મુજબની વિવિધ કૃષિ ઉપજોને ખેડૂતો પાસેથી ખુલ્લી બજારમાં પાણીના ભાવે પડાવી લેવામાં આવે છે અને એજ કૃષિ ઉપજો જયારે ગરીબ અને મધ્યમ વર્ગીય ગ્રાહકો બજારમાં ખરીદવા જાય ત્યારે અનેક ગણી કિંમતે લોકોએ નફાખોરી અને કાળાબજારીનો ભોગ બનવુ પડે છે.
આમ આજે કાળજાળ મોંઘવારીથી પિડીત આખાય ગુજરાતને હવે ર૭ વર્ષના સળંગ શાસન પછી એવો અહેસાસ થઇ રહયો છે કે, “ભાજપના રાજમાં હે પ્રભુ માત્ર તારુ નામ જ થયુ સોંધુ, બાકી બધુજ થઈ રહ્યુ છે મોંઘુ મોંઘુ.” ત્યારે ખાદ્યાન્ન તેલ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓમાં મોંધવારીના અસહ્ય મારથી ગુજરાતની લાખો ગૃહિણીઓને સત્વરે બચાવવા ધાનાણીએ સરકારને વિનંતી કરી હતી.