અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ
બીબીતળાવ ચોકનું નામ બદલી સદભાવના ચોક રાખવાનો કાલે ભાજપનો કાર્યક્રમ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ જણાવ્યું હતું કે વટવા ગામ પાસે આવેલ બીબીતળાવ ચોકનું નામકરણ કરી તે જગ્યાનું નવું નામાભિધાન સદભાવના ચોક કરવા બાબતનો કાર્યક્રમ આવતીકાલે રાખવામાં આવેલ છે. વટવા ગામ તરફ જતાં રસ્તા પર બીબીતળાવ ખાતે જે ચાર રસ્તા પડે છે તે બીબીતળાવ ચાર રસ્તાના નામથી પ્રાચીન સમયથી પ્રખ્યાત છે. તે જગ્યાએ આવેલ બી.આર.ટી.એસ/એ,એમ.ટી.એસ બસસ્ટેન્ડ/સ્ટેશનના નામ પણ બીબીતળાવ ચાર રસ્તા છે.બીબીતળાવ ચાર રસ્તા પાસે સુપ્રસિધ્ધ હજરત કૃત્ને આલમ ૨.હે. દરગાહ આવેલ છે જે દરગાહ આશરે ૭૦૦ થી પણ વધુ વર્ષ જુની છે. તેઓની ચાર દીકરીઓ હતી તે તમામની મજાર પણ ત્યાં આવેલ છે.
એક તરફ અમદાવાદ શહેરને, “વર્લ્ડ હેરીટેજ” સીટીનો દરજ્જો મેળવવા કાર્યવાહી થતી હોય ત્યારે બીજી તરફ હેરીટેજ વેલ્યુ ધરાવતાં ચાર રસ્તાના નામબદલીકરણ કરવામાં આવે તે યોગ્ય નથી. હેરીટેજ વેલ્યુ ધરાવતાં સ્થળોના નામનો લોપ કરી નવા નામાભિધાન કરવાના સત્તાધારી ભાજપના બાલિશ પ્રયત્નોને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે હેરીટેજ વેલ્યુ ધરાવતાં સ્થળોના નામબદલીકરણ કરવાથી લોકોની લાગણી પણ દુભાવા પામેલ છે , જેથી બીબીતળાવ ચોકનું નામબદલીકરણ કરી તે જગ્યાનું નવું નામાભિધાન સદભાવના ચોક કરવા બાબતનો કાર્યક્રમ આવતીકાલે રાખવામાં આવેલ છે. તે રદ કરી તે જગ્યાનું નામ બીબીતળાવ ચોક યથાવત રાખવા પ્રજાની લાગણી અને માંગણી છે જેથી તે સ્થળની હેરીટેજ વેલ્યુ જળવાઇ રહે તે હેતુથી વટવા વોર્ડમાં વટવા ગામ પાસે આવેલ બીબીતળાવ ચાર રસ્તાનું નામ બીબીતળાવ ચોક રાખવા યોગ્ય કાર્યવાહી સત્વરે કરવા મેયરને પત્ર લખી માંગણી કરેલ છે.