ઘણા બધાં એક્ટરો, સિંગરો, ક્રિકેટરો પોલિટિક્સમાં પોતાનું નસીબ અજમાવી જોતા હોય છે અને તેઓ તેમણે મેળવેલી પ્રસિદ્વિઓના કારણે ચૂંટાઇ પણ જતા હોય છે. સની દેઓલ પણ આવું જ એક નામ છે. બોલિવુડના એક્ટર સની દેઓલ પંજાબના ગુરુદાસપુર સીટથી ચૂંટણી લડીને જીત્યા હતા. બોલીવુડના એક્ટર અને પંજાબના ગુરુદાસપુરના સાંસદ સની દેઓલના લોકસભા વિસ્તારમાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોએ ગુસ્સો વ્યક્ત કરવા પોસ્ટરો લગાવવાના શરૂ કરી દીધા છે. પરતું આ પોસ્ટરો તેમની કોઇ ફિલ્મના નથી, તે (સની દેઓલ) ગુમ થયાના પોસ્ટરો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે- ખોવાઇ ગયેલાની શોધ, સાંસદ સની દેઓલ. જોકે હજુ સુધી આ પોસ્ટર કોણે લગાવ્યું તેની ખબર નથી પડી.
સની દેઓલ ખોવાઇ ગયા છે તેવા પોસ્ટરો પઠાણકોટમાં લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, સની દેઓલ પર એવા આરોપ લાગી રહ્યાં છે કે, તેઓ ચૂંટણી જીત્યા પછી પોતાના લોકસભા વિસ્તારમાં ગયા જ નથી. એટલા માટે લોકોએ સાંસદની શોધ શરૂ કરી દીધી છે. બોલિવુડના એક્ટર સની દેઓલે પંજાબના ગુરુદાસપુરથી રાજનીતિની શરૂઆત કરી હતી. તેમણે ગુરુદાસપુર સીટ પર તાત્કાલિન કોંગ્રેસના સાંસદ સુનિલ જાખડને લગભગ 80 હજારથી વધારે વોટોથી હરાવ્યા હતા.
આ પહેલા પણ મુંબઇમાં રહેતા સાંસદ સની દેઓલે પોતાના મત વિસ્તારમાં વિવાદ ઊભો કરી દીધો હતો. ગુરુદાસપુરના સાંસદ સની દેઓલે સ્ક્રિપ્ટ રાઇટર ગુરુપ્રિત સિંહ પલહેરીને પોતાની તરફથી સરકારી અધિકારીઓ સાથે વાત કરવા સહોયોગી તરીકે નિમણુંક કરી હતી જેના પર મોટો વિવાદ ઊભો થઇ ગયો હતો. સની દેઓલે જાહેરાત કરી હતી કે, પલહેરી તેમની તરફથી બાંધાકામ ક્ષેત્રની બાબતો જોશે. આ બાબતે ભાજપના નેતાઓએ જ સવાલો ઊભા કરી દીધા હતા.