સ્ટેટ જીએસટીના એડીશનલ કમિશનર મિલિંગ કાવટકર સહિત ટીમ
આરોપી ભાવનગરનો મહંમદ અબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મહંમ્મદ ટાટા
૭૩૯.૨૯ કરોડના બોગસ બિલિંગ થકી રૂ.૧૩૪.૯૮ કરોડની ખોટી વેરાશાખનુ કૌભાંડ પરત્વે અત્યાર સુધીમાં રૂ. ૬૦ કરોડથી વધુની વેરાશાખની રીકવરી
અમદાવાદ
સ્ટેટ જીએસટીના એડીશનલ કમિશનર મિલિંગ કાવટકરના જણાવ્યા અનુસાર મોહમંદ ટાટાએ 739.29 કરોડના બોગસ બીલ બનાવી 134.98 કરોડની ખોટી વેરાશાખ મેળવી હતી. જીએસટી વિભાગે કુલ 60 કરોડથી વધુની વેરાશાખ રીકવર કરી છે.બનાવની વિગત એવી છે કે આ કૌભાંડને પર્દાફાશ કરવા માટે જુન 2021 થી જીએસટીની ત્રણ અને છ એસી કક્ષા સહિત ની ટીમ તેની તપાસમાં હતી.
બોગસ બિલિંગનો માસ્ટર માઈન્ડ ભાવનગરનો મહંમદ અબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મહંમ્મદ ટાટા છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. જીએસટી વિભાગે મહંમદ ટાટાને અમદાવાદનાં એસ જી હાઇવે થી ધરપકડ કરી છે.અને આજે પાંચ વાગ્યે તેને કોર્ટ માં રજૂ કરાયો હતો. આ કૌભાંડીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો દસ પાસ ભણેલો આરોપી જરૂરિયાત મંદ લોકોના દસ્તાવેજો નો ઉપયોગ કરી બોગસ પેઢી રજીસ્ટ્રર કરતો હતો. ગરીબ વર્ગ નાં ડોક્યુમેન્ટ્સ મેળવી 121 બોગસ કંપીનીઓ બનાવી ખોટા બીલ બનાવતો હતો. જેના નામે માલની હેકફેર વિના બિલો ઇશ્યુ કરી લગભગ ૧૬૦૦ જેટલી બેનીફીસરી દ્વારા ખોટી વેરા શાખ મેળવતો હતો.
બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીનું કૌભાંડ શોધી કાઢવામાં સ્ટેટ જીએસટી વિભાગને સફળતા હાથ લાગી છે. આ અગાઉ આ કેસમાં 10 આરોપીઓની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ કરાઈ છે.અને અત્યાર સુધીમાં કુલ ૯૫ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.મિલિંગ કાવટકરને પુછાયેલ જીએસટી નોંધણીનાં પ્રશ્ન અંગે જણાવ્યું કે અરજીની પ્રોસેસ મર્યાદાને લઈને સ્થળ તપાસ અરજી આપતા પેહલા શક્ય નથી.અને સ્થળ તપાસની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી.
સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા જૂન-૨૦૨૧ દરમિયાન મોબાઇલ સ્કવોડ દ્વારા ૨ વાહન અટકમાં લેવામાં આવેલ. આ બન્ને વાહનોમાં વહન થતો માલ જે પેઢીઓનો દર્શાવવામાં આવેલ તે પ્રાથમિક ચકાસણીમાં બોગસ જણાયેલ. તેથી વિભાગ દ્વારા ઉંડાણપુર્વકના સંશોધન અને વિગતોના આધારે સમગ્ર કેસ ડેવલપ કરવામાં આવેલ અને જુલાઈ મહિનામાં અને તે બાદ ભાવનગર તેમજ સંલગ્ન સ્થળોએ એસ.જી.એસ.ટી. વિભાગ દ્વારા ખુબ મોટી સંખ્યામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેના એક રહેણાંકના સ્થળે ખુબ મોટા પ્રમાણમાં ડીજીટલ ડેટા મળી આવેલ. આ ડીજીટલ ડેટાની ચકાસણી દરમિયાન બોગસ બિલિંગ કરનાર ઇસમો અને તેઓની પાસેથી બોગસ બિલો મેળવનાર પેઢીઓ/કંપનીઓની ખુબ મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો અને તેને સંલગ્ન વિગતો મળી આવી હતી . જેમાં આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ મોહમંદઅબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મંહમદ ટાટા હોવાનું ધ્યાને આવ્યું.
મહંમદઅબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મંહમદ ટાટા તથા અન્ય સહષડયંત્રકારો દ્વારા જરૂરીયાતમંદ વ્યક્તિઓને નાણાંકીય પ્રલોભન આપી તેઓના ડોકયુમેન્ટ્સનો દુરુપયોગ કરીને જુદી-જુદી અલગ પેઢીઓના નામે રજીસ્ટ્રેશન નંબર મેળવીને, માલની ભૌતિક હેર-ફેર વિના માત્ર બીલો જ ઇસ્યુ કરવામાં આવેલ છે અને તેની ખોટી વેરાશાખ પાસ-ઓન કરીને કે વેરો ભરવાનુ ટાળીને બોગસ બીલીંગનુ કૌભાંડ આચરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીએ અન્યો સાથે મળી જે તે ઉભી કરેલ બોગસ પેઢીઓના બેન્ક ખાતાઓમાં જમાં થતા નાણાં અન્ય ખાતાઓ કે અન્ય બેંકના ખાતાઓમાં ચેનલાઇઝ કરી રોકડમાં નાણાં ઉપાડતા અને આ રોકડેથી ઉપાડેલ રોકડ નાણાં સીધેસીધાં બેનીફીશયરી વેપારીઓને કે બેનીફીશયરી વેપારીઓની સુચના મુજબ અન્ય વ્યક્તિઓને આપતા કે આંગડીયા મારફતે મોકલી આપતા હોવાનું ઉજાગર થયેલ છે.મળી આવેલ ડેટાની ચકાસણીમાં તથા તે પરત્વે કરવામાં આવેલ તપાસ અને સંમાતર દરોડાની કામગીરીથી બોગસ બિર્લીંગને લગતા પુરાવાઓ મળી આવેલ.મંહમદ ટાટાને તપાસની કામગીરી સારૂ હાજર રહેવા અંગે વખતોવખત સમન્સ પણ ઇસ્યુ કરવામા આવેલ જેનો તેણે અનાદર કરેલ છે. અને તે વિદેશ ભાગી ન જાય તે માટે લુક આઉટ સરક્યુલર પણ ઇસ્યુ કરાવવામાં આવેલ. આ ઉપરાંત મોહમંદઅબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મંહમદ ટાટા દ્વારા નામ. કોર્ટ સમક્ષ જામીનની અરજીઓ પણ કરવામાં આવેલ હતી, જેમાં નામ. કોર્ટ દ્વારા આરોપીને કોઇપણ રાહત/રક્ષણ આપવામાં આવેલ નહીં.તા. ૧૬ ૧૦ ૨૦૨૨ના રોજ મોહમંદઅબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મહમદ ટાટા અમદાવાદ ખાતે હોવાની વિભાગને ખાનગી રાહે બાતમી મળેલ. જેથી વિભાગ દ્વારા તેને પકડી પાડવા સારૂ ટીમોની વોચ ગોઠવવામાં આવેલ અને તેની હાજરી સ્થળ ઉપર જણાતાં જ તેને ફીલ્મી ઢબે ઝબ્બે કરી રાત્રિના ૦૯:૧૫ સુમારે આરોપીની અટક કરવામાં આવી હતી.આ સમગ્ર કેસમાં બિલિંગનુ કૌભાંડ ખુબજ મોટુ હોઇ અને સરકારી તિજોરીને માતબાર રકમનુ નુકશાન પહોંચાડેલ હોય જી.એસ.ટી અધિનિયમની કલમ ૬૯ અન્વયે તા.૧૬/૧૦/૨૦૨૨ના રોજ મોહમંદઅબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મંહમદ ટાટાની ધરપકડ કરેલ છે. આ સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાલ ચાલી રહેલ છે તથા આ કૌભાંડમાં સંડોવાયેલ કરચોરીનો આંક વધવાની શક્યતા છે. બાકીની રીકવરીની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગળ વધુ તપાસ કરવામાં આવશે.