‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન
અમદાવાદ
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ૩૧ ઓક્ટોબર સરદાર પટેલની જન્મજ્યંતિ અને ઇન્દિરા ગાંધીજીના નિર્વાણદિન નિમિતે ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાશે ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ માં ગુજરાતની લગભગ તમામ વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. સમગ્ર યાત્રામાં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ ૫૪૩૨ કિ.મી. થી વધુ લાંબી યાત્રામાં દસ લાખથી પણ વધુ કાર્યકર્તા જોડાશે. યાત્રા દરમ્યાન કોંગ્રેસે આપેલા ૧૧ વચનો – સંકલ્પનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે. વિશાળ જનસંપર્ક માટેની યાત્રામાં કોંગ્રેસ પક્ષના આદરણીયશ્રી અશોક ગેહલોતજી, આદરણીયશ્રી ભુપેશ બઘેલજી, આદરણીયશ્રી દિગ્વીજયસિંહજી, આદરણીયશ્રી કમલનાથજી, આદરણીયશ્રી મુકુલ વાસનીક સહિત વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં જોડાશે. સૌરાષ્ટ્રમાં ભુજથી રાજકોટ યાત્રાનો શુભારંભ શ્રી દિગ્વીજયસિંહજીના હસ્તે, સોમનાથથી અમદાવાદ યાત્રાનો શુભારંભ શ્રી બી.કે. હરિપ્રસાદજીના હસ્તે અને બનાસકાંઠાના વડગામથી ગાંધીનગર યાત્રાનો શુભારંભ શ્રી અશોક ગેહલોતજીના હસ્તે, મધ્ય ગુજરાતના ફાગવેલ (બાલાસિનોર) થી વડોદરા યાત્રાનો શુભારંભ શ્રી સચિન પાયલોટજીના હસ્તે, દક્ષિણ ગુજરાતમાં જંબુસર થી ઉમરગામ યાત્રાનો શુભારંભ શ્રી મુકુલ વાસનીકજીના હસ્તે કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરાશે. દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા આ કુશાસનથી મુક્તિ મેળવવા કોંગ્રેસને વિજયતિલક કરવા થનગની રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચોમેરથી પ્રજામાં કોંગ્રેસની આ પરિવર્તન સંકલ્પ યાત્રા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ અંગેની માહિતી આપતી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રત્યેક ગુજરાતીને ૧૦ લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવાઑ વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત. ગુજરાતમાં ૧૦ લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે, ૫૦ ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દૂધ ઉત્પાદકો ને દરેક લિટરે ૫ રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે. ગુજરાતમાં ૩૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે અને દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. ૪ લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે. છેલ્લા ૨૭ વર્ષમાં જે જે ભ્રસ્ટ્રાચારો થયા છે તેની સ્ક્રૂટીની થશે, ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજનાને નાબુદ કરી જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરાશે. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષસ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી ભુપેન્દ્રસિંહ હુડા, શ્રી અમરીંદર રાજાબ્રાર, શ્રી શીવાજીરાવ મોંઘે, શ્રી રમેશ ચેનીથલા, શ્રી પ્રમોદ તિવારી, શ્રી અજય માકન, શ્રી અજય યાદવ, શ્રી સલમાન ખુરશીદ સહિતના પ્રદેશના તેમજ રાષ્ટ્રીય નેતાઓ, આગેવાનો અને દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે.રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ, મીડીયા પેનાલીસ્ટ હિરેન બેંકર, અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા અંગેની વિશેષ પત્રકાર પરિષદ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગોધરા ખાતે કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, રાજ્યસભાના સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખ હિંમતસિંહ પટેલ, રાજકોટ ખાતે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા. પ્રમુખ લલીત કગથરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખ રૂત્વીક મકવાણા સંબોધી હતી અને ડૉ. દિનેશ પરમાર, નિદત બારોટ, શ્રી પ્રદીપ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. ભાવનગર ખાતે પરિવર્તન સંકલ્પ યાત્રા અંગેની પત્રકાર પરિષદને રાજસ્થાનના ઉર્જામંત્રી ભવનસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખ અંબરીશ ડેરે સંબોધન કરી હતી અને મનહરભાઈ પટેલ, શ્રી પ્રકાશ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં, વડોદરા ખાતે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી શ્રીમતિ ઉષા નાયડુ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ સંબોધી હતી અને શ્રી પંકજ પટેલ, શ્રી નરેન્દ્ર રાવત, ઋત્વીક જોષી, સાગર બ્રહ્મભટ્ટ, અમીબેન રાવત ઉપસ્થિત રહ્યાં હતાં. સુરત ખાતે પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી બી.એમ. સંદીપ, રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કા.પ્રમુખ કદીર પીરઝાદા એ સંબોધી હતી અને નૈષધ દેસાઈ, હસમુખ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. મહેસાણા ખાતે પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે સંબોધી હતી અને ધારાસભ્યો બળદેવજી ઠાકોર, શ્રી ભરતજી ઠાકોર, ડૉ. કીરીટ પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, રણજીતસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં, દાહોદ ખાતે પત્રકાર પરિષદ પૂર્વ સાંસદ ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી રાજેન્દ્ર પટેલ સંબોધી હતી અને અજીતસિંહ ભાટી ઉપસ્થિત રહ્યાં હતાં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીન અને હક્ક, અધિકાર માટે હરહંમેશ ચિંતીત અને લડાઈ લડતી કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરાઈને માંડવી ખાતે બી.ટી.પી.ના વરિષ્ઠ નેતા અને પૂર્વ રીટાયર્ડ ડેપ્યુટી ડી.ડી.ઓ. યુ.બી. વસાવા કોંગ્રેસ પક્ષમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ધારાસભ્ય આનંદ ચૌધરી, સુરત જીલ્લાના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, તાપી જીલ્લા પ્રમુખ ભીલાભાઈ ગામીતની ઉપસ્થિતીમાં વિધીવત રીતે આગેવાનો – કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.