‘આપ’એ અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરમાં એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢી, મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
અમદાવાદ
બેસતા વર્ષના દિવસે જ મોરબીનો ઝુલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ભાગ્યવશ ગઈકાલે મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુઃખદ ઘટના ઘટી છે અને ઈજાગ્રસ્ત થવા સાથે ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે. મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત થનાર લોકોની સંખ્યાનો આંકડો 150થી પણ વધારે છે. તે ઘટના પ્રત્યે અને આ ઘટનામાં પોતાના પરિવારજનોને ગુમાવી દેનાર પરિવારને આમ આદમી પાર્ટીની અત્યંત સહાનુભૂતિ છે. મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા આજે આખા દિવસ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા દરેક રાજકીય કાર્ય રદ કરવામાં આવ્યા હતા. ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પણ આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તે અનુક્રમે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમે જાહેર જનતા સાથે મળીને અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરમાં એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કાઢી, મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. આ કેન્ડલ માર્ચના માધ્યમથી આમ આદમી પાર્ટીએ પીડિત અને મૃતકોના પરિવારજનોને સંવેદના, સહાનુભૂતિ અને આશ્વાસન વ્યક્ત કર્યું.આ કેન્ડલ માર્ચમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મોટા નેતા ‘આપ’ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ અન્ય કાર્યકર્તાઓ સાથે ભાગ લીધો અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી. મોરબીમાં થયેલ ઘટના પ્રત્યે સમગ્ર ગુજરાતને સહાનુભૂતિ છે. આજે ગુજરાત સાથે આખા દેશમાં શોકનો માહોલ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીડીતોને મદદરૂપ થવા ઘટના વિશે જાણ થતા તરત મોરબી પહોંચી ગયા હતા. દરેક દુઃખી પરિવારની લાગણીઓને સમજતા તેમને મનોબળ આપવા આમ આદમી પાર્ટીએ દરેક શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. તે કેન્ડલ માર્ચમાં આમ આદમી પાર્ટીની દરેક વિધાનસભાની ટીમ અને તે શહેરના સ્થાનીય લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો અને મૃતકોને સહાનુભૂતિ પાઠવી.