સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને શક્ય તમામ મદદ મળેઃ પ્રધાનમંત્રી
મોરબી પુલ દુર્ઘટનામાં વહીવટી તંત્ર અને સ્થાનિકોની મદદથી ૧૭૦ને બચાવી લેવાયા: ૧૫૨ નાગરિકોને સારવાર બાદ રજા અપાઈ : આપતિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
મોરબી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતનાં મોરબીમાં આજે મુલાકાત લઈ એક બેઠક યોજાઈ હતી, જેમાં દુર્ભાગ્યપૂર્ણ પુલ દુર્ઘટનાને પગલે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જ જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ દુઃખદ સમયમાં તેમને શક્ય તમામ મદદ મળે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને બચાવ કામગીરી અને અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવતી સહાય વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.અત્યારે વિગતે અને વિસ્તૃત તપાસ હાથ ધરવાની તાતી જરૂર છે, જે આ દુર્ઘટના સાથે સંબંધિત તમામ પાસાંઓને ઓળખી કાઢશે. તેમણે એમ પણ ઉમેર્યું કે, તપાસમાંથી મુખ્ય જે બાબતો શીખવા-જાણવા મળે એનો વહેલી તકે અમલ થવો જ જોઇએ.આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજા, ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના ડીજીપી, સ્થાનિક કલેક્ટર, એસપી, પોલીસ મહાનિરીક્ષક, ધારાસભ્યો અને સાંસદો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.અગાઉ મોરબી પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક હૉસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં ઈજાગ્રસ્તો સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે બચાવ અને રાહત કાર્યમાં સામેલ લોકો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની હિંમતની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાનશ્રીએ દુર્ઘટનાના ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી.વડાપ્રધાને પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનશ્રીએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી.વડાપ્રધાન એ આજે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાન એ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) – આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘાયલો સાથે વાત કરીને આપવીતી જાણી હતી. ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય અને તેમની ઉત્તમ સારવાર થાય તે જોવા વડાપ્રધાનશ્રીએ સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સૂચના આપી હતી. તેમની સાથે મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. પી.કે. દૂધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં મચ્છુ નદી કેબલ બ્રિજ તૂટતા બનેલી દુર્ઘટના સંદર્ભે ચાલી રહેલી રાહત કામગીરીની સમીક્ષા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે આજે આપતિ વ્યવસ્થાપન મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
મંત્રી ત્રિવેદીએ બેઠક બાદ SEOC ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે પુલ તૂટવાની ઘટના બાદ વહીવટી તંત્ર, વિવિધ સુરક્ષા દળો તેમજ સ્થાનિકોની મદદથી ૧૭૦ જેટલા નાગરિકોને બચાવી લેવામાં સફળતા મળી છે જેમાંથી ૧૫૨ને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. જયારે ૧૭ નાગરીકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૫ના દુ:ખદ અવસાન થયા છે તે તમામની અંતિમવિધિ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ દુ:ખ વ્યક્ત કરતા ઉમેર્યું હતું.મોરબીમાં પુલ તૂટવાની દુ:ખદ ઘટનાના સમાચાર મળ્યા બાદ યુદ્ધના ધોરણે વહીવટી તંત્રને બચાવ કામગીરીની સૂચનાઓ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાતભર ચાલી રહેલા બચાવ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપી બનતી તમામ મદદ કરી હતી. પ્રધાનમંત્રીશ્રી એ આ ઘટનાથી વ્યથિત થઈને દુ:ખ વ્યક્ત કરીને બચાવ-રાહત કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી તંત્રને જરૂરી સૂચનાઓ આપી કેન્દ્રીય સુરક્ષા દળોને તાત્કાલિક મોરબી રવાના કર્યા હતા. ઘટનામાં અવસાન પામેલા નાગરિકોનાં પરિવારજનોને વડાપ્રધાનશ્રીની કાર્યાલયમાંથી રૂ. ૨ લાખ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. ૪ લાખ એમ કુલ- રૂ. ૬ લાખની સહાય ચુકવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને કેન્દ્ર -રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦-૫૦ હજારની સહાય ચૂકવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોરબી મચ્છુ નદીની ઘટનામાં કેબલ બ્રિજ તૂટી જવાના કારણે જે નાગરિકોએ જાન ગુમાવ્યા છે એમને શ્રઘ્ધાંજલી અર્પીને એમના પરિજનોને આવી પડેલ દુ:ખ સહન કરવાની શકિત અર્પે એવી પ્રાર્થના કરી છે. રાજયનો એક એક નાગરિક વ્યથિત છે ત્યારે રાજય સરકારે પણ મૃતકો પ્રત્યે સંવેદના દાખવવા માટે આવતીકાલે તા. ૨જી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરીને સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે તેમજ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાશે. એનડીઆરએફ, એસડીઆરએફ, સેના IAF, નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક વહીવટી ટીમ દ્વારા કરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું જેના કારણે અત્યાર સુધી માત્ર બે લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલી રહેલી છે. આ ઉપરાંત રાહત કામગીરી માટે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લાઓના અધિકારીઓની વધારાની કુલ ૦૪ ટીમો મોરબી ખાતે નિયુક્ત કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરના બંને કટ્રોલ રૂમ 24×7 પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે માટે જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબર 02822 243300 અને રાજ્ય કક્ષાનો હૅલ્પલાઇન નંબર 079 232 51900 જાહેર કરવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ મહેસૂલ, રાહત કમિશનર અને રાહત નિયામક દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24×7 સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે રાજ્યભરમાં પ્રાથર્નાસભાનું આયોજન કરાશે . મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓ ને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા આજે તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ માં તા.૦૨ નવેમ્બરના રોજ વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરાશે.