આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલની અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલના માર્ગદર્શનમાં કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલ
અમદાવાદ
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત સાથે જ અમદાવાદ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલની સૂચના તથા ચીફ નોડલ ઓફિસર એ.એમ.દેસાઇના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના અમદાવાદ શહેરના નોડલ અધિકારી રામ્યાકુમાર ભટ્ટ તથા અમદાવાદ ગ્રામ્યના નોડલ અધિકારી એચ.આઇ.પટેલના નિરીક્ષણ હેઠળ, શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ, સરકારી ઈમારતો પર, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પબ્લિક અને પ્રાઇવેટ પ્રોપર્ટી પરથી કુલ ૧૪,૭૪૨ જેટલા દીવાલો પરના રાજકીય લખાણો, ૫૩૧૦ પોસ્ટર, ૩૧૧૭ બેનર્સ તેમજ અન્ય ૧૮૬૦ અન્ય વિગતો સહિત કુલ ૨૫,૦૨૮ જેવા લખાણો, પોસ્ટર, બેનર્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, સરકારી શાળાઓની દીવાલો પરના રાજકીય લખાણો, રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો વગેરે ઉતારવાની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેર તેમજ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજિલ (C-VIGIL)એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. શહેર-જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.