ગુજરાતનાં શિક્ષકોની માથે એક પછી એક જવાબદારીઓ થોપવાનાં કારણે શિક્ષકોમાં પહેલાથી જ રોષ છે ત્યારે વધારે એક પરિપત્રએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સંયુક્ત શિક્ષણ નિયામકે પરિપત્ર કરીને શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. સામાજીક સંમેલન, લગ્ન, જન્મ દિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શીક્ષકોએ રાખવા તે પ્રકારનાં પરિપત્રથી હોબાળો થઇ ગયો છે.
થોડા સમય અગાઉ બનાસકાંઠામાં તીડ ત્રાટકતા તીટ ભગાડવાની જવાબદારી પણ શિક્ષકોને સોંપવામાં આવતા વિવાદ થયો હતો. રાજ્યનાં શિક્ષકો આ મુદ્દે વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે. જો કે હાલમાં આવેલા આ પરિપત્રથી વધારે વિવાદ પેદા થયો છે. સંયુક્ત શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પરિપત્ર કરીને આદેશ આપ્યો છે. જેમાં શિક્ષકોને ખોરાકનો બગાડ અટકે તે માટે લોકોમાં જાગૃતી લાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેના માટે જરૂરી માર્ગ શોધવાની કામગીરી શિક્ષકની ફરજ છે.