એવું કહેવાયં છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ. પરંતુ શિક્ષકોને શિક્ષણના કાર્યથી જ વંચિત રાખી રોજે રોજ નીત નવી કામગીરી સોંપાય છે. જેને કારણે શિક્ષક બિચારો અને બાપડો થઈ ગયો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલા પરિપત્રમાં હવે શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરોને શોધવાનું કામ સોંપાતા ફરી વિવાદ સર્જાયો છે. રાજ્યમા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પર વધુ એક કામગીરી જવાબદારી થોપી દેવાઈ છે. જેને કારણે જ શિક્ષક બેચારા કામ કે બોજ કા મારા જેવો ઘાટ સર્જાયો છે. રાજયના સંયુક્ત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શિક્ષકો પર વધુ એક જવાબદાર થોપી દીધી છે. આ પરિપત્રમાં હવે શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરો શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલુ જ નહિ શોધાયેલા નિરક્ષરોની ઓનલાઈન એન્ટ્રી કરવાનું કામ પણ સોંપાયું છે. જેથી શિક્ષકો હવે બાળકોને ભણાવવાના બદલે હવે અભણ લોકોને શોધવા ઘરે ઘરે ફરશે અને ઘરના સભ્યોની માહિતી અને તે પૈકી નિરક્ષર કેટલા છે તેની માહિતી એકત્રિત કરવાની કામગીરી સોંપાઈ છે.
થોડા સમય પહેલા જ શિક્ષણ નિયામકનો પરિપત્ર આવ્યો હતો કે રાજ્યમાં જે પણ લગ્ન સમારંભો, પાર્ટીઓ કે મેળાવડા થાય છે. ત્યાં ભોજન સમારંભમાં અન્નનો બગાડ થતો હોય છે. તે અન્નનો બગાડ અટકાવવા માટે લોકોની જાગ઼તિના કાર્યક્રમો કરવાની જવાબદારી સોંપાઈ હતી. તે પહેલા રાજ્યના સરહદી જિલ્લાઓમાં તીડનો આતંક ફેલાયો હતો. તો તે તીડ ભગાડવાની જવાબદારી શિક્ષકને સોંપાવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હવે નિરક્ષરોને શોધવાની જવાબદારી સોંપી દેવાઈ છે. એક તરફ પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ કહેવાય છે. કોઈ પણ બાળકને પાયાનું શિક્ષણ નબળુ મળે તો તેનું ભાવિ અંધકાર મય બની જાય છે. તેવામાં શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષકોને જ એક પછી એક કામની જવાબદારી સોંપાવામાં આવી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણ સિવાયની કામગીરીમાં વ્યસ્ત રહેતા શિક્ષકો પોતાના શિક્ષણ કાર્યમાં ધ્યાન આપી શકતા નથી.સરકાર દ્વારા શિક્ષકોને એટલા બધા કામો સોંપવામાં આવતા હોય છે કે શિક્ષક ખુદ ભૂલી જાય છે કે તેનું અસલ કાર્ય શું હોય છે. હાલમાં શિક્ષકો દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી દ્વારા ધરણા કર્યા હતા. પોતાની પડતર માંગણીઓની સાથે યોજેલા ધરણામાં શિક્ષકોને સોંપવામાં આવતા વધારાના કામોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જગજીવનભાઈએ જણાવ્યું કે પ્રાથમિક શાળાના શિક્ષકને શિક્ષક રહેવા દીધો નથી. નીત નવી કામગીરી સોંપી દેવાય છે. જો આવા જ ઈતર કામ કરવાના હોય તો શિક્ષણનું કામ પડતુ મુકી અન્ય ઈતરપ્રવૃતિ જ સોંપાય છે. અને આવા પરિપત્રોથી જ શિક્ષકોનું સ્વમાન ઘવાય છે. આવા કામ સોંપાય છે પણ તે માટે ભથ્થુ પણ મળતું નથી. મધ્યાહન ભોજન માટે ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે. ઓનલાઈન એન્ટ્રીમાં બે ઓપશન આપેલા હોય છે જેમાં સવારે નાસ્તો અને બપોરે ભોજનને લઈ એન્ટ્રી કરવાની હોય છે પરંતુ રાજ્યની એક પણ શાળામાં વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો આપવામાં આવતો નથી. તો અન્ટ્રીમાં બ્રેકફાસ્ટનુ કોલમ કેમ રાખવામાં આવ્યું છે તે પણ સમજાતું નથી મહત્વનું છે કે આ સિવાય શિક્ષકોને વસતી ગણતરી, ચૂંટણી માટે મતદાર યાદી, ગામમાં ઢોર પશુઓની ગણતરી કરવા જેવી ઈત્તર પ્રવૃતિઓ પણ સોંપાય છે. જેના કારણે જ રાજયમાં શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે.