ચીનમાં તબાહી મચાવનાર કોરોના વાયરસના સંક્રમણનો સૌપ્રથમ કેસ ભારતમાં સામે આવ્યો છે. કેરળમાં ચીનથીપ રત આવેલા વિદ્યાર્થીમાં કોરોના વાયરસનો ચેપ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. દર્દીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોએ હાલમાં તેને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 170 લોકોના મોત થયા છે.
ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હોવાનું જણાયું છે. આ દર્દીઓ તાજેતરમાં ચીનથી પરત ફર્યા છે. અગાઉ જયપુર, મુંબઈ, બિહારના છપરામાં કેટલાક સંદિગ્ધ દર્દીઓ નોંધાયા હતા. જો કે દિલ્હીની હોસ્પિટલ અને એરપોર્ટ પર કોરોના વાયરસની ચકાસણી માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીની રામ મનોહર લોહિયા (આરએમએલ)માં પણ તપાસ માટે વિશેષ વોર્ડ ઊભો કરાયો છે. બુધવારના દિલ્હી પહોંચેલા ગુડગાંવના બે લોકોને એરપોર્ટ પર રોકીને તેમની તપાસ કરવામાં આવી અને પ્રાથમિક ઈલાજ આપવામાં આવ્યો હતો. તેમને શરદી અને ગળામાં તકલીફ હતી. સંપૂર્ણ તપાસ બાદ બન્નેને રજા આપી ઘરે જવા દેવાયા હતા. આ સાથે જ તેની માહિતી જિલ્લા સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવી હતી. વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના ડિરેક્ટર ટેડ્રોસ એડહોનમ ગેબ્રેસિયોસે બુધવારે જણાવ્યું હતું કે ચીન બહાર પણ કોરોના વાયરસના વધતા કેસો ચિંતાજનક છે. ડબલ્યુએચઓના મતે ઈમર્જન્સી જાહેર કરવું ઉતાવળિયું ગણાશે.