સુરતમાં 3 વર્ષીય બાળકીના બળાત્કાર અને હત્યા મામલે આરોપીને ગુજરાતમાં પોક્સો કોર્ટ દ્વારા પ્રથમ વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જોકે આ આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરતા નામદાર હાઇકોર્ટે આ સજા બરકરાર રાખતા આજે સુરત કોર્ટ દ્વારા આરોપીને ડેથ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, અને આગામી 29 ફેબ્રુઆરી સવારે 4.30 વાગે અમદાવાદની જેલમાં આપવામાં આવશે ફાંસી. સુરતના લીંબાયત વિસ્તારમાં ઓક્ટોબર મહિનામાં 3 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ બાદ લીબાયત પોલીસે બાળકીની શોધખોળ શરુ કરી હતી. જોકે બાળકીની ભાળ નહિ મળતા સુરત પોલીસે અલગ અલગ ટિમ બનાવી 100 કરતા વધુ જવાનોએ બાળકીની શોધખોળ માટે સમગ્ર વિસ્તારના એક એક ઘરમાં તપાસ શરુ કરી હતી. આખરે બે દિવસ બાદ બાળકી તે જે મકાનમાં રહેતી હતી તેના નીચેના મકાનની એક રૂમમાંથી કંતાનના કોથળામાંથી મળી આવી હતી. આ બાળકીના પીએમ રિપોર્ટમાં તેની સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવાની વિગત સામે આવી હતી. આ કેસે શહેરમાં ભારે ચકચાર મચાવતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીને શોધી નાખ્યો હતો. આરોપી અન્ય કોઈ નહિ પણ બાળકીના પિતાનો મિત્ર અનીલ યાદવ હતો. આરોપી ગુનો આચર્યા બાદ પોતાના વતન બિહાર ભાગી છૂટ્યો હતો. પોલીસે આરોપીને તેના વતન બિહાર જઈને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવી હતી. આરોપી વિરુદ્ધ સુરતની સેસેન્સ કોર્ટમાં કેસ ચાલી જતા, સુરતની એડિશનલ સેસન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી હતી. પોક્સો એક્ટ આવ્યા બાદ ગુજરાતમાં આ પહેલો કેસ છે જેમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં આરોપીએ હાઇકોર્ટમાં અપીલ હતી, પરંતુ હાઈકોર્ટે સુરતની કોર્ટે આપેલી સજા બરકરાર રાખી હતી, જેને પગલે સુરતની કોર્ટે આરોપીને ડેથ વોરન્ટ ઇસ્યુ કર્યું છે, જેમાં આગામી ફેબ્રુઆરીની 29 તારીખે સવારે 4.30 વાગે અમદાવાદની મધ્યથ જેલ ખાતે ફાંસી આપવામાં આવશે, અને જ્યાં સુધી તે મુત્યુ નહિ પામે ત્યાં સુધી માંચડે લટકાવી રાખવાનો આદેશ કરાયો છે.